રાહુલ માટે લોકસભાની ચૂંટણી લડવી મુશ્કેલ-સુપ્રીમમાં જવું પડશે
(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ વિવાદ મામલે કોઈ રાહત મળી નથી. ગુજરાત હાઈકોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ઝટકો આપ્યો છે. અને આ સાથે જ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી હતી.
હાઈકોર્ટમાંથી અરજી ફગાવી દેવાયા બાદ રાહુલ ગાંધી પર જેલ જવાની તલવાર લટકી રહી છે. રાહુલ ગાંધીને ૨૩ માર્ચે બે વર્ષની સજા સંભળાવી હતી. સજાની સાથે કોર્ટે તેને સેશન્સ કોર્ટમાં જવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો હતો. જાે કે સેશન્સ કોર્ટે પણ રાહુલ ગાંધીની અપીલ ફગાવી દીધી હતી.
માનહાનિ કેસમાં પહેલા નીચલી કોર્ટ, પછી સેશન્સ કોર્ટ અને હવે ગુજરાત હાઈકોર્ટમાં રાહુલ ગાંધીને કોઈ રાહત મળી નથી. ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતા હવે તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક જવું પડશે. કોંગ્રેસના નેતાઓએ પણ કહ્યું કે આ ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.
જાે કે તેમની પાસે હજુ પણ હાઈકોર્ટની ઉચ્ચ બેંચમાં અપીલ કરવાનો વિકલ્પ છે. રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકાર્યા બાદ તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. જાે રાહુલને હાઈકોર્ટમાંથી રાહત મળી હોત તો તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થઈ શકી હોત, પરંતુ હવે તેમના માટે આગામી વર્ષની લોકસભાની ચૂંટણી લડવી મુશ્કેલ સાબિત થઈ રહી છે.