Western Times News

Gujarati News

ITIમાં સિવણની તાલીમ મેળવનારી આરતીને  બેવડો લાભ

આઇટીઆઇમાં સિવણની તાલીમ મેળવનારી આરતીને  બેવડો લાભઃ અવનવા વસ્ત્રોની સિલાઇ કરીને અને અન્યોને સિવણની તાલીમ આપી મેળવે છે બેવડી આવક

વડોદરા: કુશળતા હોય અને તાલીમ મળી રહે તો યુવાનોને નવી દિશા મળે છે. સર્જનાત્મકતાના બખૂબી ઉપયોગથી આર્થિક ઉપાર્જન કરી સ્વનિર્ભર પણ બની શકે તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા આઇટીઆઇમાં અનેકવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કૌશલ્યવર્ધન અભ્યાસક્રમમાં જોડાતા યુવાનોને પ્રોત્સાહન પૂરૂં પાડવા સ્ટાઇપેન્ડ પણ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે.

ઓછો અભ્યાસ હોય પરંતુ કંઇક કરવાની ખેવના હોય તેવા યુવાનો માટે આઇટીઆઇ અને તેમાં આપવામાં આવતી તાલીમ તેમના જીવનમાં સુખદ વળાંક લાવે છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષીય આરતી અમૃત્તગીરી ગોસ્વામીએ ૧૨ પાસ કર્યુ છે. વડોદરાના ગોરવા આઇટીઆઇમાંથી સૂઇંગ ટેકનોલોજીનો કોર્ષ કર્યો છે. સૂઇંગ ટેક્નોલોજીના અભ્યાસક્રમમાં કટીંગ અને સિવણ એમ બંને બાબતો શીખવવામાં આવે છે. આરતીની તાલીમ પૂર્ણ થતાં તેણે પોતાની તાલીમ અને આવડતનો બખૂબી ઉપયોગ કર્યો.

આરતીએ વાત કરતા કહ્યું કે, મને એ વાતની ખુશી છે કે રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કૌશલ્યવર્ધન કાર્યક્રમોથી ઓછું ભણેલા પરંતુ કુશળતા અને કૌવત ધરાવતા યુવાનોને તેમની શક્તિઓનો ઉપયોગ કરીને સ્વનિર્ભર બનવાની તક મળે છે. આઇટીઆઇનો સૂઇંગ ટેક્નોલોજી અભ્યાસક્રમ એક વર્ષ જેટલા ટૂંકાગાળામાં ઘણું શીખવા-જાણવા મળે છે. મને મારા જ ઉદાહરણ પરથી લાગ્યું કે હું ઘરબેઠા સૂઇંગનું કામ કરું તે ઉપરાંત જરૂર હોય અને સિવણમાં રસ હોય તેવી યુવતીઓને સિવણ કામ શીખવું. હાલમાં મારે ઘરે બે મશીન છે જેમાં હું સવાર-સાંજ મળી દસેક છોકરીઓને સિવણકામ શીખવું છું. આઇટીઆઇમાંથી મેળવેલી તાલીમ પછી હું ડ્રેસ, બ્લાઉઝ અને પાર્ટીવેર સહિતના કપડાઓ સીવી શકું છું અને મારા પાસે શીખવા આવે એ તમામને પણ શીખવું છું.

વધુમાં આરતીએ કહ્યું કે, શીખવા આવે તેની મહિને રૂ.૩૦૦ ફી રાખી છે, એમને કટીંગ-સૂઇંગ શીખવું છું. લગભગ બે થી ચાર માસમાં એ કટીંગ અને સિવણ એમ બંને કામ શીખી લે છે. આમ, મારાથી બીજી છોકરીઓને શીખવા મળે અને એપણ તૈયાર થઇ સ્વનિર્ભર બને તેનો મને આનંદ છે. મેં એક વર્ષ પૂર્વે આ કોર્ષ કર્યો અને હાલ બે છોકરીઓને સીવણ શીખવીને તૈયાર કરી છે. છોકરીઓને આ સિવણ તાલીમ આપવા ઉપરાંત હું ઘરબેઠા સિવણનું જે કામ મળે તે પણ કરું છું. આઇટીઆઇની આ તાલીમ મેળવ્યા પછી હાલમાં ઘરબેઠાં દર મહિને ૫થી ૬ હજારની કમાણી કરે છે.

મારા પરિવારમાં મારા માતા જે ગૃહિણી છે, મારા ભાઇ-ભાભી અને નાની બહેન છે. એમનો મને મારા કામમાં સહકાર મળે છે. હાલમાં બે મશીન પર દસને શીખવી શકું છું વધુ મશીન ખરીદવા અને વધુને સિવણની તાલીમ આપવી એ મારો લક્ષ્ય છે વધુમાં મારું મન છે કે હવે મારે મારું બુટીક શરૂ કરવાની આશા પણ તેમણે વ્યકત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.