પોતાની ક્ષમતા પર શંકા કરવી આસાન છે પણ હું કરતો નથીઃ રોહિત

અમદાવાદ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસેથી આક્રમક બેટિંગની અપેક્ષા રખાતી હોય છે પરંતુ આઇપીએલની વર્તમાન સિઝનમાં તે હજી સુધી ખાસ નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યો ન હતો ત્યારે તેણે રવિવારે રમાયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં શાનદાર અણનમ ૭૬ રન ફટકારીને મુંબઈ ઇન્ડિયન્સના વિજયમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આમ તેણે આ મેચ દ્વારા પોતાનું ફોર્મ પરત મેળવીને પોતાની ક્ષમતા પણ પુરવાર કરી દીધી હતી.પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયેલા રોહિત શર્માએ તેની ૪૫ બોલની ઇનિંગ્સમાં છ સિક્સર ઉપરાંત ચાર ચોગ્ગા પણ ફટકાર્યા હતા.
જેને કારણે મુંબઈ ઇન્ડિયન્સે નવ વિકેટે મેચ જીતી હતી. વર્તમાન સિઝનમાં રોહિત શર્માની આ પ્રથમ અડધી સદી હતી. અગાઉ તેનો સ્કોર ઉત્તરોત્તર વધતો હતો જેમાં ૦,૮,૧૩,૧૭,૧૮, અને ૨૬ રનના સ્કોરનો સમાવેશ થતો હતો.
મેચ બાદ રોહિત શર્માએ જણાવ્યું હતું કે લાંબા સમયથી રમતા રહેવાને કારણે તમારી જાત પર કે ક્ષમતા પર શંકા કરવી આસાન છે અને તમે અખતરા કરતા થઈ જાઓ છો પરંતુ મેં તેમ કર્યું ન હતું.
મારા માટે સારી રીતે પ્રેક્ટિસ કરવી મહત્વની હતી. મારા માટે સારી રીતે બોલને હિટ કરવો જરૂરી હતું. જ્યારે તમે તમારા દિમાગથી સ્પષ્ટ હશો ત્યારે આ પ્રકારની બેટિંગ કરી શકશો.
તેણે ઉમેર્યું હતું કે જ્યારે ખેલાડી પોતાની ક્ષમતા પર શંકા કરવાની શરૂ કરી દે ત્યારે દબાણ તો ચોક્કસ વધવાનું જ છે. થોડા સમયથી મોટી ઇનિંગ્સ આવતી ન હતી પરંતુ તે માટે તમે તમારી જાત પર કે ક્ષમતા પર શંકા કરતા થઈ જશો તો તમારી જાત પર દબાણ આવી જશે. તમારી રમતને બેલેન્સ કરવી તે જ મહત્વની બાબત છે.
આજે મેં મારી રમતની સ્ટાઇલને બેલેન્સ કરી હતી અને તેને પરિણામે સ્કોર થઈ શક્યો હતો.મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રોહિત શર્મા ઘણી મેચો રમ્યો છે અને તેની કારકિર્દીનું મોટા ભાગનું ક્રિકેટ અહીં રમાયું છે ત્યારે આ ઐતિહાસિક સ્ટેડિયમના એક સ્ટેન્ડને રોહિત શર્માનું નામ આપવામાં આવ્યું છે. આ અંગે રોહિતે જણાવ્યું હતું કે મારા માટે આ સૌથી મોટો સત્કાર છે.
આ ઘણી મોટી બાબત છે. હું અહીં બાળક તરીકે મેચ નિહાળવા આવતો હતો. એક તબક્કે તો અમને અહીં રમવાની પણ મંજૂરી ન હતી. ત્યાર બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં અહીં રમ્યો. અને, અહીં રમીને જ હું ઉછર્યાે છું. હવે આ સ્ટેડિયમમાં મારા નામનું સ્ટેન્ડ છે તે મહાન બાબત છે અને મારા માટે ગૌરવપૂર્ણ બાબત છે.
ચેન્નાઈ સામેની મેચ અંગે મુંબઈ ઇન્ડિયન્સના ઓપનરે જણાવ્યું હતું કે ફોર્મ પરત આવ્યું તેનો આનંદ તો હોય જ પરંતુ મારા માટે સૌથી સંતોષજનક બાબત એ રહેશે કે મારી બેટિંગ થકી મેં ટીમને છેક સુધી લઈ જઈને સફળતા અપાવી હતી. સાથી બેટર સૂર્યકુમાર યાદવે પણ ખૂબ સહયોગ આપ્યો હતો.SS1MS