Western Times News

Gujarati News

જાડેજાએ પાંચમા બોલે છગ્ગો અને પછી ચોગ્ગો લગાવીને ટીમને જીતાડી

રવીન્દ્ર, કૉન્વે, રહાણે અને રાયડુ ચારેય 30ની વય વટાવી ચૂક્યા છતાં 180+ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી ટીમને અપાવી જીત

મેચ જીત્યા બાદ ધોનીએ જાડેજાને પોતાના ખોળામાં ઊંચક્યો, જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. ધોનીએ મેચની ફાઈનલ બાદ પહેલીવાર આવું કંઈક કર્યું હતું. આ જ કારણ છે કે મેચ બાદ જાડેજાએ ધોનીને એક ખાસ સંદેશ લખીને આ IPL ટાઇટલ ટ્રીબ્યુટ કર્યું હતું.

અમદાવાદ,  TATA IPL16નો અંત અત્યંત રોમાંચક અંદાજમાં આવ્યો છે. ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપરકિંગ્સે રેકોર્ડ (CSK)  પાંચમી વખત આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી છે. ગુજરાત ટાઈટનની ટીમને હરાવીને ધોનીને જીત અપાવનારા પાંચ ખેલાડીઓની વાત કરવામાં આવે તો પાંચમાંથી ચારની ઉંમર 30થી વધુની છે આમ છતાં તેમણે ટી-20માં જરા પણ કચાશ રાખી નથી.

ચેન્નાઈના મેટ્રો સ્ટેશન પર બેઠેલા લોકો છેલ્લા બોલે જાડેજાએ ચોગ્ગો માર્યા પછી ખુશીના માર્યા ઉછળ્યા હતા.

રવીન્દ્ર જાડેજા -34 વર્ષીય રવીન્દ્ર જાડેજાએ IPL 2023માં 20 વિકેટ લીધી હતી. ડાબા હાથના સ્પીનર અને ઑલરાઉન્ડર રવીન્દ્રએ ફાઈનલમાં પોતાની બેટિંગનો જલવો પણ બતાવ્યો હતો.

ટીમને 20મી ઓવરમાં જીત માટે 13 રન બનાવવાના હતા અને પહેલાં ચાર બોલે માત્ર ત્રણ જ રન બન્યા હતા.  (જૂઓ છેલ્લા બે બોલમાં સિક્સર અને ચોગ્ગો)

પરંતુ જાડેજાએ પાંચમા બોલે છગ્ગો અને પછી ચોગ્ગો લગાવીને ટીમને રોમાંચક જીત અપાવી હતી. તે છ બોલમાં 15 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 250નો રહ્યો હતો. રવીન્દ્રએ એક ચોગ્ગો અને એક છગ્ગો લગાવ્યો હતો.

31 વર્ષીય ન્યુઝીલેન્ડના બેટર ડેવોન કૉન્વે ફાઈનલમાં પ્લેયર ઑફ ધ મેચ રહ્યો હતો. તેણે 25 બોલમાં 47 રનની તાબડતોબ ઈનિંગ રમી હતી જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 188નો રહ્યો હતો. કૉન્વેએ પહેલી વિકેટ માટે ઋતુરાજ ગાયકવાડ સાથે 6.3 ઓવરમાં મહત્ત્વપૂર્ણ 74 રન જોડ્યા હતા.

34 વર્ષીય અજિંક્ય રહાણેએ આખી આઈપીએલમાં આક્રમક બેટિંગ કરી હતી. ફાઈનલમાં તેણે 13 બોલમાં 208ના સ્ટ્રાઈક રેટથી 27 રન બનાવ્યા હતા જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સમાવિષ્ટ છે. તેણે શિવમ દૂબે સાથે ત્રીજી વિકેટ માટે માત્ર 23 બોલમાં 39 રનની ભાગીદારી કરી હતી.

અંબાતી રાયડુએ ફાઈનલ પહેલાં જ સંન્યાસ જાહેર કરી દીધો હતો. ફાઈનલમાં આ બેટરે મોહિત શર્માના સળંગ ત્રણ બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગો લગાવ્યો હતો. અહીંથી ચેન્નાઈની ટીમ રનરેટ જાળવવામાં સફળ રહી હતી. આ દરમિયાન 37 વર્ષીય રાયડુએ આઠ બોલમાં 19 રન બનાવ્યા હતા.

શિવમ દૂબે નંબર-3 ઉપર ઉતર્યો અને અંત સુધી આઉટ થયો ન્હોતો. તેણે એક છેડેથી ટીમને સંભાળી રાખી હતી. 29 વર્ષીય શિવમ 21 બોલમાં 32 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેણે બે છગ્ગા ફટકાર્યા હતા. આમ તો શિવમ દૂબેનું આખી ટૂર્નામેન્ટમાં પ્રદર્શન શાનદાર રહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.