જાડેજા બાંગ્લાદેશ સામેની વનડે સીરિઝમાંથી બહાર થયો
નવી દિલ્હી, BCCIએ બાંગ્લાદેશ પ્રવાસ પર ODI સીરિઝ માટે ૧૭ સભ્યોની ટીમમાં ફેરફારની જાહેરાત કરી છે. ટીમનું સિલેક્શન આઈસીસી ટી૨૦ વર્લ્ડ રપ દરમિયાન જ કરવામાં આવ્યું હતું પરંતુ નવી સિલેક્શન સમિતિની રચના પહેલા બે ઈજાગ્રસ્ત ખેલાડીઓના વિકલ્પની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈએ પોતાના પ્રેસ રિલીઝમાં આ વિશે જાણકારી આપી હતી.
ટીમમાં પહેલો ફેરફાર રવિન્દ્ર જાડેજાના રૂપમાં કરવામાં આવ્યો છે, તે હજી ઘૂંટણની ઈજાથી રિકવર થયો નથી. તેવામાં તે બાંગ્લાદેશ ટુર પર ટીમ સાથે નહીં જાય. તેવામાં તેની જગ્યાએ શાહબાઝ અહમદને તક આપવામાં આવી છે. શાહબાઝને સાઉથ આફ્રિકા સામેની વનડેમાં પણ સિલેક્ટ કરવામાં આવ્યો હતો.
જાડેજા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝનો ભાગ છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. બીસીસીઆઈએ પોતાના પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, મેડિકલ ટીમ રવિન્દ્ર જાડેજાની ફિટનેસ પર નજર રાખી રહ્યું છે અને પૂરી રીતે ફિટ થયા બાદ જ ટીમમાં તેના સિલેક્શન પર વિચાર કરવામાં આવશે.
જાડેજા ટી૨૦ વર્લ્ડ કપના થોડા સમય પહેલા ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે ટીમમાં તેના સ્થાને અક્ષર પટેલને લેવાયો હતો. શાહબાઝ અહમદ સિવાય ટીમમાં બાંગ્લાદેશ સામેની વનડે સીરિઝ માટે કુલદીપ સેનને પણ તક આપવામાં આવી છે.
આ પહેલા જ્યારે ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું હતું ત્યારે ટીમમાં તેનું નામ નહોતું. પરંતુ યશ દયાળના ઈજાગ્રસ્ત થયા બાદ ટીમ ઈન્ડિયામાં તેની એન્ટ્રી થઈ ગઈ છે.
બાંગ્લાદેશ પહેલા ટીમ ઈન્ડિયા ત્રણ-ત્રણ મેચોની ટી૨૦ અને વનડે સીરિઝ માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ટી૨૦માં ભારતે યજમાન ન્યૂઝીલેન્ડને ૧-૦થી હરાવ્યું હતું. સીરિઝમાં એક જ મેચ પૂરી થઈ શકી જ્યારે અન્ય બે વરસાદના કારણે પ્રભાવિત રહી. ટી૨૦ સીરિઝ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં રમાઈ હતી જ્યારે વનડે સીરિઝનો સુકાની શિખર ધવન છે.
બંને દેશ વચ્ચે સીરિઝની પહેલી વનડે ૨૫ નવેમ્બરે રમાશે. ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરિઝ ખતમ થયા બાદ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ જવા રવાના થશે. બાંગ્લાદેશમાં પહેલી વનડે મેચ ૪ ડિસેમ્બરે રમાશે. જ્યારે બીજી ૭ ડિસેમ્બરે અને અંતિમ ૯ ડિસેમ્બરે. ત્રણેય મેચ ત્યાંના મીરપુર સ્ટેડિયમમાં રમાશે. વનડે સીરિઝ બાદ બંને ટીમ વચ્ચે ટેસ્ટ સીરિઝ પણ થશે.
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાદ અહમદ, અક્ષર પટેલ, વાશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મહોમ્મદ શમી, મહોમ્મદ સિરાઝ, દીપક ચહર, કુલદીપ સેન.અ