હાસ્ય કલાકારે કાર્યક્રમો દ્વારા 50 લાખ એકત્ર કરી મંદબુદ્ધિનાં બાળકોની ત્રણ સંસ્થાને દાન કર્યુ
અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન બે મોટા કાર્યક્રમ કરી રકમ એકત્ર કરી –જગદીશ ત્રિવેદીએ મંદબુદ્ધિનાં બાળકોની ત્રણ સંસ્થાને પ૦ લાખનું દાન પહોંચાડ્યું
રાજકોટ,જાણીતા હાસ્ય કલાકાર, લેખક, કવિ, ચિંતક અને ઉમદા સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદીએ પોતાના ત્રણ મહિનાના અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન મંદબુદ્ધિના બાળકોની સંસ્થા માટે બે મોટા કાર્યક્રમો કર્યા છે.
ર૭ જુલાઈના રોજ ટેનેસી રાજયના નેશવીલ શહેરમાં જીસીએ દ્વારા આયોજન કાર્યક્રમ અને ૧પમી ઓગસ્ટના રોજ ટેકસાસ રાજયના ડલ્લાસ શહેરમાં બ્રાઈટર વિઝન ફાઉન્ડેશન દ્વારા આયોજિત એમ મંદબુદ્ધિના બાળકો માટે તદ્દન નિઃશુલ્ક બે કાર્યક્રમ કરીને અનુક્રમે ર૬ લાખ અને ર૪ લાખ મળીને કુલ પચાસ લાખ જેવી માતબર રકમ એકત્ર કરી આપી હતી.
જગદીશ ત્રિવેદીએ આ બન્ને કાર્યક્રમોમાં પોતાના પુરસ્કારનું સૌ પ્રથમ દાન કરીને લોકોને ગુજરાતમાં રહેલા મંદબુદ્ધિના બાળકો માટે દાન કરવા અપીલ કરી હતી. આ પચાસ લાખમાંથી બારડોલી પાસે ખરવાસા ગામમાં આવેલી મંદબુદ્ધિના
બાળકોની સંસ્થાને અડતાલીસ લાખ રૂપિયા તેમજ ભાવનગરની અંકુર મંદબુદ્ધિના બાળકોની સંસ્થાને એક લાખ રૂપિયા અને વઢવાણની જીવનસ્મૃતિ મંદબુદ્ધિના બાળકોની સંસ્થાને એક લાખ રૂપિયા મળીને ગુજરાત રાજયની મંદબુદ્ધિના બાળકોની ત્રણ શાળાને કુલ પચાસ લાખ રૂપિયાનું દાન પહોચતું કરેલ છે.
અમેરિકાથી અત્યાર સુધીમાં ગુજરાતની વિવિધ હોસ્પિટલ અને આ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓને આશરે દોઢ કરોડથી વધુ રકમ જગદીશ ત્રિવેદીએ પહોંચતી કરેલ છે તેઓ ત્રણ મહિનાના રોકાણ દરમિયાન કુલ ૪૧ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં ભારત પધારશે.