જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ આપેલું અત્યાર સુધીનું દાન 10 કરોડને પાર થયું
જગદીશ ત્રિવેદીનું દાન દસ કરોડને પાર: અબકી બાર, અગીયાર કરોડને પાર
અમદાવાદ, જાણીતા હાસ્ય કલાકાર, લેખક અને સમાજસેવક તેમજ પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ડો. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા અને કેનેડાનાં પ્રવાસે છે ગઈકાલે કેનેડાનાં આલબર્ટા રાજ્યના એડમન્ટન શહેરના કાર્યક્રમ દરમ્યાન જગદીશ ત્રિવેદીના દાનની રકમ ૧૦,૦૦,૦૦,૦૦૦/- દસ કરોડ રુપિયાને પાર કરી ગઈ છે. Jagdish Trivedi’s Donation Crosses Ten Crores
એડમન્ટનના BEAMOUNT CENTER ખાતે ગોરજના મુની સેવા આશ્રમની કૈલાસ કેન્સર હોસ્પિટલના લાભાર્થે યોજાયેલા કાર્યક્રમમાં આશરે પાંચસો જેટલાં ગુજરાતીઓ જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં મન મૂકીને વરસ્યા હતા. જેમાં કુલ ૫૧,૭૦૦ કેનેડીયન ડોલર એટલે કે આશરે બત્રીસ લાખ રુપિયાનું દાન એકત્ર થયું હતું.
તે દાનમાંથી એકપણ રુપિયો લીધા વગર ડો. જગદીશ ત્રિવેદીએ એ રકમ મુની સેવા આશ્રમ- ગોરજથી પધારેલા સમર્પિત સેવક હેમંત પટેલ અને કેનેડાનાં સ્વયંસેવકો અશોક પટેલ , ભાર્ગવ પટેલ , સંજય પટેલ, ધવલ પટેલ અને રાકેશ પટેલ દ્રારા ભારત રવાના કરી હતી.
ડો. જગદીશ ત્રિવેદી ભારતથી રવાના થયા ત્યાં સુધીમાં એમના દાનની રકમ ૯,૫૯,૪૦,૭૭૪/- એટલે કે નવ કરોડ,ઓગણસાઈઠ લાખ ચાલીસ હજાર અને સાતસો ચુંમોતેર હતી. જેમાં આ પ્રવાસના કુલ આઠ કાર્યક્રમો દ્રારા કુલ ૭૧,૩૧,૦૦૦/- એકોતેર લાખ અને એકત્રીસ હજાર જેટલી રકમ એકત્ર થતાં અને એ ગુજરાતના જરુરીયાતમંદ લોકોની સેવા માટે સુપ્રત થતાં હવે જગદીશ ત્રિવેદીના દાનની રકમ દસ કરોડને પાર કરી ગઈ છે.
જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આગામી ૧૦ જૂન સુધીમાં કેનેડામાં એક અને અમેરીકામાં ચાર મળી કુલ પાંચ કાર્યક્રમો યોજાશે અને એ પાંચ કાર્યક્રમો દ્રારા વધું પંચોતેર લાખ જેવી સેવા થશે .આમ ઈશ્વરની કૃપાથી પોતાનો અગીયાર કરોડનો મનોરથ જે પચીસ વરસમાં પુરો કરવાનો હતો એ માત્ર સાત જ વરસમાં અવશ્ય પુરો થશે એવી મને સાત્વિક શ્રદ્ધા છે.