અમદાવાદમાં ભારે વરસાદના પગલે પૂર્વના પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લેતા જગદીશ વિશ્વકર્મા
વરસાદથી સર્જાયેલ પરિસ્થિતિની સમીક્ષા કરી પાણીના ઝડપી નિકાલ બાબતે જરૂરી સૂચના આપતા મંત્રીશ્રી
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે આજે રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ શહેરના પૂર્વના ઠક્કરનગર, નિકોલ, ઓઢવ અને વિરાટનગર વિસ્તારોની મુલાકાત લીધી હતી.
મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ પૂર્વના વરસાદ પ્રભાવિત વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ સર્જાયેલ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વરસાદી પાણીના ઝડપી નિકાલ બાબતે ઉપસ્થિત કોર્પોરેશનના અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી હતી.
આ ઉપરાંત મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ વરસાદને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલ કામગીરીની પણ સમીક્ષા કરી હતી. વધુમાં તેમણે વોટર લોગીંગની કામગીરી, સાફ સફાઈ જેવી બાબતો પર પણ ભાર મૂકીને ઉપસ્થિત અધિકારીશ્રીઓને સૂચન કર્યા હતા.
મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ વિસ્તારોના નાગરિકો સાથે સંવાદ કરી જરૂરી મદદની ખાતરી આપી હતી અને સૌ લોકોને તંત્રને સહયોગ આપવા પણ અપીલ કરી હતી.
મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિ. મ્યુનિસિપલ કમિશનર શ્રી રાહુલ શર્મા સહિતના કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.