સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે વાસણા બેરેજની મુલાકાત લીધી
ઉપરવાસમાં સતત વરસાદને પરિણામે વાસણા બેરેજમાં પાણીની આવક નિહાળીને કામગીરીની કરી સમીક્ષા
મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ સહિત મ્યુ. કોર્પોરેશનના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
છેલ્લા બે દિવસથી રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને પરિણામે અમદાવાદના વાસણા બેરેજમાં પાણીની આવક સતત વધી રહી છે. રાજ્યના સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આજે અમદાવાદ ખાતે વાસણા બેરેજની મુલાકાત લઈને ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવક સહિત બેરેજ પર થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. શહેરના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન,
એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ વાસણા બેરેજમાં પાણીની આવક, બેરેજના દરવાજાઓનું સંચાલન સહિત વહીવટ તંત્રની કામગીરી તથા આસપાસના વિસ્તારોમાં નાગરિકોના સ્થળાંતરણની જરૂરિયાત સહિતના મુદ્દાઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ મંત્રીશ્રીએ અમદાવાદના પૂર્વના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને વરસાદથી સર્જાયેલ પરિસ્થિતિની સમીક્ષા કરીને પાણીના ઝડપી નિકાલ બાબતે સૂચના આપી હતી.