જાેગીન્દર શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
રોહતક, ભારતીય ટીમે વર્ષ ૨૦૦૭માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં પહેલો ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. આજે પણ ૨૦૦૭ના વર્લ્ડ કપની ફાઈનલનો હીરો જાેગીન્દર શર્મા બધાને યાદ છે. આજે જાેગીન્દર શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આજે ૩૯ વર્ષીય જાેગીન્દર શર્માએ ટિ્વટર પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.
હરિયાણાના રોહતકથી આવતા જાેગીન્દર શર્માએ ભારત માટે ૪ વનડે અને માત્ર ૪ ટી૨૦ મેચો રમી છે. તેણે પોતાના કેરિયરની તમામ ટી૨૦ મેચો માત્ર વર્લ્ડ કપમાં જ રમી અને ઈતિહાસ બનાવી દીધો. તેણે ૨૦૦૪માં ભારત માટે વન-ડેમાં પર્દાપણ કર્યું હતું અને ૨૦૦૭માં છેલ્લી વન-ડે રમી હતી.
જાેગીન્દર શર્મા હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપી છે. તેણે થોડા સમય પહેલા જ હરિયાણા તરફથી રણજી ટ્રોફી પણ રમી હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૭નો દિવસ ઐતિહાસિક સાબિત થયો. તે દિવસે જ જાેહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયા ટી૨૦ વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિમાં જ ચેમ્પિયન બની હતી. આ સાથે, મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ ૧૯૮૩ પછી વિશ્વ કપ જીતવામાં સફળ રહી હતી.
૨૦૦૭ ટી૨૦ વર્લ્ડ કપ ફાઈનલની છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે ૧૩ રનની જરૂર હતી. કેપ્ટન ધોનીએ બોલ એકદમ શિખાઉ બોલર જાેગીન્દર શર્માને આપી હતી. મિસ્બાહ-ઉલ-હક ક્રિઝ પર હોવાને કારણે ભારતીય ચાહકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. બધાએ એક જ સવાલો કર્યો હતો કે જાેગીન્દરને બોલિંગ કેમ આપવામાં આવી ? જાેગીન્દર શર્માએ ઓવરનો પહેલો બોલ જ વાઈડ નાખ્યો હતો.
બીજાે બોલ મિસ્બાહ ચૂકી ગયો હતો જે વાઈડને બોલને બદલે ફેંકવામાં આવ્યો હતો. આ બોલ પર કોઈ રન થયો નહીં. આ પછી જાેગીન્દર શર્માએ ફુલ ટોસ ફેંક્યો જેના પર મિસ્બાહે સિક્સ મારીને પાકિસ્તાની આશાઓ ફરી જગાડી હતી. ઓવરના ત્રીજા બોલે ભારતને ઐતિહાસિક ક્ષણ આપી હતી. આ બોલ પર મિસ્બાહે સ્કૂપ શોટ રમ્યો અને બોલને શોર્ટ ફાઈન-લેગ તરફ ગયો હતો જેને શ્રીસંત દ્વારા કેચ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પહેલો ટી૨૦ વર્લ્ડ કપ ૫ રનથી જીત્યો હતો.