નિયમોના ભંગ બદલ ગોતામાં જય મોમાઈ વોટર સપ્લાયને તાળાં મરાયાં
અમદાવાદ, ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેના નિયમોના ઉલ્લંઘન બદલ ગોતાના જય મોમાઈ વોટર સપ્લાયને તાળાં મારી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરતા એકમોની તપાસ હાથ ધરાઈ હતી.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સમગ્ર ઝોનમાં કુલ ૬૨ જેટલા એકમોની તપાસ કરી હતી, જેમાં નિયમોનો ભંગ કરવા બદલ ૩૦ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ ૧૨ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા કસૂરવાર એકમો પાસેથી રૂ.૫૧,૫૦૦નો દંડ વસૂલાયો હતો,
જ્યારે ગોતાના ચાણક્યપુરીના નેહા ફ્લેટ પાસેના જય મોમાઈ વોટર સપ્લાયને સીલ કરી દેવાયું હતું. આ ઉપરાંત મ્યુનિસિપલ ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થાેની કરાયેલી તપાસમાં વેજલપુરના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલી અનુરાધા સોસાયટીની નંદિની ફ્લોર મિલનાં ભૂંગળાં,
ખોખરાના હાટકેશ્વર ચાર રસ્તા પાસેના શિલ્પા કોમ્પ્લેક્સના હાર્દિક ટ્રેડર્સનું રિફાઈન્ડ કપાસિયા તેલ, બાપુનગર ચાર રસ્તાના વલ્લભ ફ્લેટના જય ભૈરવનાથ ભોજનાલયનું બટર, દૂધેશ્વરના સુમેલ-૬ બિઝનેસ પાર્કની મનીષ અગ્રવાલ નામની પેઢીનું પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર અને બાપુનગરના ભીડભંજન હનુમાન મંદિર સામેની રજાક માસ્તરની ચાલના એ.બી.બેવરેજીસના પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટરને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરાયું હતું.