ગુજરાતના નવ શકિત મંદિરોમાં અષ્ટ ગંધાષ્ટકમ્ અર્પણ કરશે અમદાવાદનું જય ભોલે ગ્રુપ
આઠ ગંધ એટલે કે ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, અને ઉશિર અને કુઠ નામની સુગંધ જગદંબાને અતિપ્રિય
નવરાત્રિના પવિત્ર દિવસોમાં નવદુર્ગા સ્વરૂપને અષ્ટ ગંધાષ્ટકમ્ અર્પણ કરાશે
સાગના લાકડામાંથી ખાસ બોક્સ બનાવવામાં આવ્યું છે. જેમાં આઠ પ્રકારના અત્તરની બોટલોને રાખવામાં આવી છે તેમજ દરેક બોક્સ પર ગંધાષ્ટકમ શ્લોક લખવામાં આવ્યો છે.
ગંધાષ્ટકમ્ માટે સાગમાંથી વિશિષ્ટ પ્રકારનું બોક્સ બનાવાયુ
તા. ૩ જી ઓક્ટોબરથી આધશકિત મા જગદંબાની શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. શકિત ભક્તિના આ સૌથી મોટા મહોત્સવમાં જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા ગુજરાતના નવ શકિત મંદિરોમાં અષ્ટ ગંધાષ્ટકમ્ અત્તર અર્પણ કરવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત પ્રથમ નવરાત્રિ નિમિત્તે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા ગંધાષ્ટકમનું પૂજન કરી અંબાજી ઉપરાંત અન્ય મંદિરોમાં અષ્ટગંધાષ્ટકમ અર્પણ કરવામાં આવશે.
ગુજરાત સહિત દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા આરાસુરી અંબાજી મંદિર, શ્રી ઉમિયા મંદિર, ઉંઝા, શ્રી ભદ્રકાલી મંદિર, કર્ણાવતી, શ્રી અંબાજી મંદિર, માધુપુરા, શ્રી મહાકાલી મંદિર, પાવાગઢ, શ્રી બહુચર મંદિર, બહુચરાજી, શ્રી આશાપુરા માતાજી, કચ્છ, શ્રી ચામુંડા મંદિર, ચોટીલા, શ્રી ખોડિયારમા મંદિર, ભાવનગર અને
શ્રી વરદાયિની માતા મંદિર, રૂપાલ ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સહયોગથી નવરાત્રિના પવિત્ર દિવસોમાં જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અષ્ઠ સુગંધિત દ્રવ્યોમાંથી નિર્મિત ગંધાષ્ટકમ અર્પણ કરાશે. આ માટે સાગના લાકડામાંથી ખાસ બોક્સ બનાવવામાં આવ્યું છે. જેમાં આઠ પ્રકારના અત્તરની બોટલોને રાખવામાં આવી છે તેમજ દરેક બોક્સ પર ગંધાષ્ટકમ શ્લોક લખવામાં આવ્યો છે.
જય ભોલે ગ્રુપ અમદાવાદના દિપેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, શ્રી વિદ્યામાં ગંધાષ્ટકમનું વર્ણન મળે છે, જેમાં વર્ણવેલા આઠ પ્રકાર પ્રમાણે આઠ ગંધ એટલે કે ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, અને ઉશિર અને કુઠ નામની સુગંધ જગદંબાને અતિપ્રિય છે. નવરાત્રિના પવિત્ર પર્વ નિમિતે નવદુર્ગા સ્વરૂપને અષ્ટ ગંધાષ્ટકમ અર્પણ કરવાનું સૌભાગ્ય મળ્યું એ બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ.
માતાજી પ્રસન્ન થાય અને નવરાત્રિમાં મા નવદુર્ગાના આશીર્વાદ સૌ માઇભકતોને મળે એ જ આશયથી આ અત્તર અર્પણ કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિના નવે દિવસ અલગ અલગ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આ ગંધાષ્ટકમ અર્પણ કરવામાં આવશે જેનો લાભ લેવા જય ભોલે ગ્રુપ દ્વારા ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરો અષ્ટગંધાષ્ટકથી મહેંકી ઉઠશે
ગુજરાતના પ્રસિદ્ધ અને પાવન યાત્રાધામ એવા શ્રી ઉમિયા મંદિર, ઉંઝા, શ્રી ભદ્રકાલી મંદિર, કર્ણાવતી, શ્રી અંબાજી મંદિર, માધુપુરા, શ્રી મહાકાલી મંદિર, પાવાગઢ, શ્રી બહુચર મંદિર, બહુચરાજી, શ્રી આશાપુરા માતાજી, કચ્છ, શ્રી ચામુંડા મંદિર, ચોટીલા, શ્રી ખોડિયાર મા મંદિર, ભાવનગર અને શ્રી વરદાયિની માતા મંદિર, રૂપાલ ખાતે અષ્ઠ સુગંધિત દ્રવ્યોમાંથી નિર્મિત ગંધાષ્ટક અર્પણ કરાશે.