જૂના જમાનામાં ચાલતી કાળ કોટડીઓ હવે આધુનિક જેલ બની પણ….
કેદીઓથી ઊભરાતી જેલઃ સુધારા ક્યારે?
‘કોઈ પણ વ્યક્તિ કાયદાથી મોટી નથી’ આ પ્રચલિત વિધાન આપણે ત્યાં કાયદાના શાસનની અભિવ્યક્તિ કરતું ગણાય છે. પરંતુ જયારે આ કાયદાથી સમયસર યોગ્ય ન્યાય મળવાની અપેક્ષા હોય અને કેસ વર્ષો સુધી પેન્ડિંગ રહેવાથી જે સ્થિતિ સર્જાય છે તેની સૌથી મોટી કિંમત કાચા કામના કેદી એટલે કે વિચારાધીન કેદી ચુકવતા હોય છે. તેમની ન્યાય મેળવવાની અપેક્ષા ક્યારેય પૂર્ણ થતી નથી.
અતિ પ્રાચીનકાળથી જ આપણા દેશ ભારતમાં બંદિગૃહ એટલે કે કારાગાર કે પછી જેલની વ્યવસ્થા ચાલી આવે છે. પ્રાચીન સમયમાં બંદિગૃહ અંધકારભરી, ગંદકી અને સાવ નાની સાઈઝની કોટડી હતી. નિર્જન સ્થાનો પર અને ગુફાઓને પણ ઘણી વખત જેલ બનાવીને તેમાં કેદીઓને રાખવામાં આવતા હતા.
ચંદ્રગુપ્ત મૌર્યના કાળમાં જૂના પુરાણા કિલ્લાને કારાગાર તરીકે ઉપયોગમાં લેવાતા હોવાનો પણ ઉલ્લેખ છે. એક સમયે ભારતમાં કારાગૃહ ખૂબ ભયાનક હતા. એ વખતે કાળ કોટડી તરીકે જાણીતી નાની ઓરડીઓમાં કેદીઓને ખૂબ વજનદાર બેડીઓથી જકડી રાખવામાં આવતા હતા. સાવ સામાન્ય ભૂલ બદલ પણ તેમને કોરડાનો માર સહન કરવો પડતો હતો.
ન્યાય સુધી પહોંચવાના મૂળભૂત સિદ્ધાંતની સફળતા માટે લોકો પોતાના ખુદના અધિકારો અને કર્તવ્યથી અવગત હોય તે ખૂબ જરૂરી છે. કાયદામાં લોકોની દ્રઢ વિશ્વાસ જળવાશે તો જ ન્યાયની પરિભાષા પૂર્ણ થઈ કહેવાશે. પરંતુ આજના યુગમાં વાત સાવ ઉલટી જ છે.
મોટાભાગના લોકો પોતાના અધિકારો અંગે કશું પણ જાણતા નથી અને આપણા દેશમાં બહુ મોટો વર્ગ એવો છે જે વકીલોની મોંઘી ફી કે ન્યાયની આ લડતની કિંમત ચુકવવામાં સાવ અસમર્થ છે. આવા મજબુર લોકોની ન્યાયની લડાઈ કયારેય મંજિલ સુધી પહોંચતી નથી અને તેમણે હંમેશા રિબાવું પડે છે.
આપણા દેશની જેલમાં કેદીઓની સંખ્યા એ હદે વધી ગઈ છે કે કેટલીક વખત તો તેમને જગ્યા ન મળવાથી પાયાની સુવિધાઓથી પણ વંચિત રહેવું પડે છે. ઉલ્લેખનીય છે કે એવા કેદીઓ જેમના પરના આરોપ સાબિત ન થયા હોય તેમને કાચા કામના કેદી અર્થાત વિચારાધીન કેદીની શ્રેણીમાં રાખવામાં આવે છે અને કોર્ટમાં તેમની સામેનો કેસ ચાલતો રહે છે.
સંસદમાં આ અંગે અનેક સવાલો પહેલાં પણ ઉઠયા હતા, જેના પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય જવાબ આપ્યો હતો કે, નેશનલ ક્રાઈમ રેકોડર્સ બ્યૂરો (એનસીઆરબી) જેલ સંબંધિત આંકડાઓની વિગતો એકઠી કરીને અહેવાલો તૈયાર કરે છે. તે પોતાનો વાર્ષિક રિપોર્ટ પ્રિઝન સ્ટેટિસ્ટિક ઈન્ડિયામાં પ્રકાશિત કરે છે.
આપણે ત્યાં એક ગંભીર સમસ્યા ન્યાય પ્રક્રિયાની જટિલતા પણ છે. કાયદાકીય પ્રક્રિયા ખૂબ જ લાંબી અને મોંઘીદાટ છે. કોર્ટ પાસીે આ તમામ પેન્ડિંગ કેસના નિરાકરણ માટે કર્મચારીઓ અને અન્ય સુવિધાઓનો સાફ અભાવ છે. આ કારણે જ દેશની મોટાભાગની કોર્ટમાં કરોડો કેસ પેન્ડિંગ છે અને ન્યાયમાં સતત વિલંબ થઈ રહ્યો છે.
ભારતમાં જેલ સુધારણાનો યુગ અંગ્રેજાેના શાસનકાળથી શરૂ થયો હતો. જેલની દેખભાળ તાલિમબદ્ધ અધિકારીઓ દ્વારા કરવામાં આવે, જેલનો સંપૂર્ણ અનુભવ ધરાવનારને જ જેલ અધિક્ષક બનાવવામાં આવે, પોલીસ અધિકારીઓ અને સેનાના ડોકટરની મદદ લેવામાં આવે, દરેક જેલમાં એક ડોકટરની નિયુક્તિ કરવામાં આવે જેવા અનેક સુધારા અંગ્રેજાેને જ આભારી છે.
આપણી મોટાભાગની જેલ આજે અનેક ગંભીર સમસ્યાનો શિકાર છે. દિલ્હીમાં કિરણ બેદીએ જયારે જેલોમાં મોટા અને પાયાના સુધારા કર્યા હતા ત્યારે અપરાધ પ્રવૃતિમાં પણ મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. દેશમાં હવે આધુનિક સુવિધાઓ ધરાવતી નવી જેલના નિર્માણનો યોગ્ય સમય આવી ગયો છે. અપરાધીઓને પણ સ્વચ્છ જગ્યા, સારું વાતાવરણ મળે તે ખૂબ જરૂરી છે તેના વિના આ ક્ષેત્રમાં સુધારા કરવા શક્ય નથી.
નિષ્ણાતોના મતે ખાસ કરીને દેશની જેલમાં સબડી રહેલા કાચા કામના કેદીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવી જાેઈએ. જાે કોઈ કેદી ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છે તો તેની આ ઈચ્છા પણ પૂર્ણ થવી જ જાેઈએ. કાચા કામના કેદીઓ રીઢા ગુનેગારો સાથે જેલમાં રહીને ધીમે ધીમે ગંભીર અપરાધી બની જતા હોય છે.
કેદીઓને ગુનાખોરીનો રસ્તો છોડીને સારા રસ્તે વાળવા માટે તેમનું હ્ય્દય પરિવર્તન કરવું જરૂરી છે અને તે હાલના આ વાતાવરણમાં શક્ય નથી જ. જેલમાં ફેલાયેલા ભ્રષ્ટાચારના નેટવર્કને ખતમ કરીને જાે ત્યાં સારું વાતાવરણ ઉભું કરી શકાય તો જ કાચા કામના કેદીઓની ન્યાય મળવાની આશા પૂર્ણ થઈ ગણાશે.