Western Times News

Gujarati News

અમદાવાદના ‘જૈન શ્રેષ્ઠી’ અને સફળ ઉદ્યોગપતિ અને તેમના સમયના ‘બેંકિંગ ટાઈગર’ તરીકે જાણીતા હતા

શેઠ સી. એન. વિદ્યાવિહારની સ્થાપનાના 111 વર્ષની ઉજવણી-માણેકબા એ લગભગ ૪૦ વર્ષ અને તેમના ભત્રીજા શેઠ અંબાલાલ સારાભાઈએ ૫૫ વર્ષ જેટલો સમય સંસ્થાના ટ્રસ્ટી અને માર્ગદર્શક બની રહ્યા.

અમદાવાદ, શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર જે શેઠ સી.એન. વિદ્યાવિહાર નામે પ્રચલિત છે અને જેને પશ્ચિમ ભારતનું ‘શાંતિનિકેતન’ પણ કહેવામાં આવે છે. સંસ્થાની શૈક્ષણિક ફિલસૂફી ગાંધી વિચારધારા પર આધારિત છે.

શેઠ ચીમનલાલ નગીનદાસ, અમદાવાદના ‘જૈન શ્રેષ્ઠી’ અને સફળ ઉદ્યોગપતિ અને તેમના સમયના ‘બેંકિંગ ટાઈગર’ તરીકે જાણીતા હતા. તેમણે શિક્ષણ, માનવતા, દેશભક્તિ, સામાજિક ઉત્થાન અને સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમ માટે તેમનું આખું જીવન સમર્પિત કર્યું. આવા ઉમદા વિચારોથી સંસ્થાનું સ્વપ્નબીજ રોપાયું અને આ સંસ્થાની શરૂઆત થઈ.

વર્ષ ૧૯૦૮માં તેમણે તેમનું ઐતિહાસિક વસિયતનામું કર્યું હતું. અમદાવાદની આજુબાજુના ગામડાઓના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે એવા ઉદ્દાત વિચારોથી તેઓએ તેમના વસિયતનામાની એક જોગવાઈ મુજબ ‘શેઠ સારાભાઈ મગનભાઈ ટ્રસ્ટ ફંડ’ નામનું ટ્રસ્ટ તેમના સ્વર્ગસ્થ ભાઈના નામથી બનાવ્યું.

વિલ બનાવ્યા પછી ત્રણ મહિનામાં જ તેમનું અવસાન થતાં તેમના સ્વપ્નને સાકાર કરવા તેમના પત્ની માણેકબાએ તેમના ભત્રીજા અંબાલાલ સારાભાઈ અને અન્ય ટ્રસ્ટીઓની મદદથી ૧૯૧૨માં કુમાર છાત્રાલયની શરૂઆત કરી. માણેકબા એ લગભગ ૪૦ વર્ષ અને તેમના ભત્રીજા શેઠ અંબાલાલ સારાભાઈએ ૫૫ વર્ષ જેટલો સમય સંસ્થાના ટ્રસ્ટી અને માર્ગદર્શક બની રહ્યા.

શેઠ ચીમનલાલ નગીનદાસના પુત્રી અને મહારાષ્ટ્રના નાયબ શિક્ષણમંત્રી અને ત્યારબાદ ગુજરાતના પ્રથમ શિક્ષણમંત્રી તરીકે કાર્યરત રહેલ ‘પદ્મશ્રી’ ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠે પોતાનું આખું જીવન શિક્ષણને સમર્પિત કર્યું હતું. તેમણે વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને અનેક સમાજ કલ્યાણના કાર્યો કર્યા. ઇન્દુમતીબહેન શેઠ તેમજ ભારત સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડ મેળવનાર, વિદ્યાલયના આચાર્ય (મા.અને ઉ.મા.) શ્રી ઝીણાભાઈ દેસાઈએ ૫૦ વર્ષથી વધુ સમય વિદ્યાવિહારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.