ચીન સાથેના સંબંધોને નવી દિશા મળી હોવાનું કહેવામાં જયશંકર ખચકાયા
નવી દિલ્હી, ભારત અને ચીનમાં લદ્દાખ સરહદે વિવાદિત વિસ્તારોમાંથી લશ્કર પાછું ખેંચવાની સંમતિ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ ટિપ્પણી કરી છે. તેમણે શનિવારે કહ્યું હતું કે, ગયા મહિને થયેલી સમજૂતી ચીન સાથેની સમસ્યાનો એક ભાગ હતો.
જોકે, બંને દેશના સંબંધોમાં નવી શરૂઆત થઇ હોવાનું નિવેદન કરવામાં તેમણે ખચકાટ અનુભવ્યો હતો.જયશંકરે જણાવ્યું હતું કે, “બંને દેશ દ્વારા લશ્કર પાછું ખેંચવાના આખરી રાઉન્ડ પછી સંબંધોમાં થોડા સુધારાની આશા રાખવી વાજબી છે. હું ‘ડિસએન્ગેન્જમેન્ટ’ને ‘ડિસએન્ગેજમેન્ટ’ની રીતે જોઉં છું.
તેનો વધુ અર્થ કાઢવો જોઇએ નહીં. ચીન સાથેની હાલની સ્થિતિ જોઇએ તો આપણું લશ્કર વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની બહુ નજીક હતું. ૨૧ ઓક્ટોબરની સમજૂતીમાં ડિસએન્ગેજમેન્ટ માટેની આખરી સંમતિ હતી. તેના અમલ સુધી ડિસએન્ગેજમેન્ટનો પ્રશ્ન ઉકેલાઇ ગયો છે.
”બંને દેશનું લશ્કર પાછું ખેંચાવાથી ભારત-ચીન વચ્ચે નવા સંબંધોની શરૂઆત થઈ છે એવા પ્રશ્નના જવાબમાં જયશંકરે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “બંને દેશના સંબંધોની હાલની સ્થિતિથી આવા નિષ્કર્ષ પર પહોંચી શકાય નહીં.”
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને એલએસી નજીક ડેમચોક અને ડેપ્સાંગના વિવાદિત વિસ્તારોમાંથી ભારત અને ચીનનું લશ્કર પાછું ખેંચાવાની પ્રક્રિયા પૂરી થઈ છે.
બંને દેશના લશ્કરે લગભગ સાડા ચાર વર્ષ પછી આ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે.જયશંકરે જણાવ્યું હતું કે, “આગામી પગલું બંને દેશ વચ્ચે સંઘર્ષની સ્થિતિમાં ઘટાડો કરવાનું રહેશે.”
તેમણે કહ્યું હતું કે, “ભારત-ચીનના સંબંધોમાં ઘણા પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધો ‘જટિલ’ છે.” વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર વિશ્વના મોટા ભાગના દેશો રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે ત્યારે દુનિયા ભારતની રાજકીય સ્થિરતાને મહત્વની ગણે છે.SS1MS