જેલમાં સુખમાં જયસુખ પટેલ! VIP સગવડો મળતી હોવાનો પીડિતોનો આક્ષેપ
રાજકોટ, મોરબી બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોએ મોરબી સબજેલના સત્તાધીશો પર ગંભીર આક્ષેપ કર્યા છે. ઓરેવા ગ્રુપના એમડી અને બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને સબજેલમાં વીઆઈપી સુવિધા પૂરી પાડવામાં આવી રહી હોવાના આક્ષેપ લાગ્યા છે.
મૃતકોના પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, જયસુખ પટેલના સાગરીતો અમુક પીડિતોના પરિવારજનોને ધમકાવીને કોર્ટની કાર્યવાહી ગેરહાજર રહેવાનું સૂચવી રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી, ગુજરાતના ડીજીપી અને આઈજીને પત્ર લખીને પીડિતોએ માગણી કરી છે કે, જયસુખ પટેલને અમદાવાદ, વડોદરા કે સુરતની સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવે. પીડિતોને એવો પણ ડર છે કે, જો જયસુખ પટેલને મોરબી જેલમાં જ રાખવામાં આવ્યો તો આ કેસના સાક્ષીઓને પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને ધમકાવી શકે છે, જેથી તેઓ કોર્ટની કાર્યવાહી દરમિયાન હાજર ના રહી શકે. ગુરુવારે લખાયેલા આ પત્ર પર કેટલાય પીડિતોએ હસ્તાક્ષર કરીને સંમતિ દર્શાવી છે.
આ પત્રમાં કોર્ટની ધીમી કાર્યવાહી સામે પણ નારાજગી દર્શાવવામાં આવી છે. મોરબી બ્રિજ દુર્ઘટના થઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યાયની ખાતરી આપી હતી પરંતુ તેમના ગૃહરાજ્યમાં જ તેમના વચનનું પાલન નથી થઈ રહ્યું તેમ પીડિતોનું કહેવું છે.
મોરબી સબજેલમાં જયસુખ પટેલને વીઆઈપી સગવડો મળી રહી હોવાના આક્ષેપો અંગે વિસ્તારપૂર્વક જણાવતાં પીડિતોએ પત્રમાં લખ્યું કે, જયસુખને કોર્ટની કાર્યવાહી માટે ખાનગી વાહનમાં લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓરેવા ગ્રુપનો ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જયસુખ પટેલ છે.
આ જ કંપનીને મચ્છુ નદી પર બાંધવામાં આવેલા બ્રિટિશ કાળના સસ્પેન્શન બ્રિજના સંચાલન અને મેન્ટેનન્સની કામગીરી સોંપવામાં આવી હતી. ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ આ બ્રિજ તૂટી પડતાં ૧૩૫ લોકોના મોત થયા હતા.SS1MS