જમાલપુરમાં દારૂ પીવાની ના પાડનારા યુવકની હત્યા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં દારૂના કારણે થયેલા ઝઘડામાં એકનું મોત થયાનો કિસ્સો બન્યો છે. આ વખતે શહેરના જમાલપુર વિસ્તારમાં શનિવારે મોડી સાંજે હત્યાનો બનાવો બન્યો છે.
દારૂ પીવાની ના પાડતા બે આરોપીઓએ છરીના ઘા મારીને એક વ્યક્તિની હત્યા કરી નાખી છે. મૃતકને બચાવવા માટે વચ્ચે પડેલા તેમના ભાઈ પણ ઘાયલ થયા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મસ્જિદ પાસે દારૂ પીવાની ના પાડવાની બાબતે ઉશ્કેરાયેલા લોકોએ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. જમાલપુરમાં રહેતી સાજીયાબાનુ પઠાણ નામની મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે,
ગઈકાલે સાંજના ૬ઃ૩૦ વાગ્યાની આસપાસ તેઓ ઘરે હાજર હતા તે દરમિયાન તેમના ઘરની પાસે આવેલી ખાનજાન મસ્જિદ પાસે બૂમાબૂમ થતા તેઓ ઘરની બહાર ગયા હતા. ત્યાં રમતા છોકરાઓએ તેમને જાણ કરી હતી કે ફિરોજભાઈને મસ્જિદ પાસે નહીમ અને કરીમ સાથે મારામારી થઈ છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આ ઘટના વિશે જાણવા મળતા સાજીયાબાનું તાત્કાલિક છોકરાઓએ જણાવ્યા પ્રમાણેની જગ્યાએ પહોંચ્યા હતા અને જાેયું તો આ બંને આરોપીઓ ફિરોજ ખાન સાથે મારામારી કરતા હતા. અને તેમની પાસે રહેલ છરીથી ફિરોઝ ખાનને પેટમાં તેમજ શરીરના અન્ય ભાગે છરીના ઘા મારવા લાગ્યા હતા. ફરિયાદીના પતિ પણ ત્યાં આવી પહોંચતા તેઓ ઝઘડામાં વચ્ચે પડયા હતા.