જંબુસર નગરપાલિકાના નિષ્ફળ વહીવટને લઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર નગરપાલિકા જનતાને આવશ્યક સેવાઓ પૂરી પાડવા નિષ્ફળ નિવડયું હોય જંબુસર કોંગ્રેસ દ્વારા પાલિકા વિરોધ પક્ષ નેતા શાકિર હુસેન મલેકની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું.
જંબુસર કોંગ્રેસ અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો મામલતદાર કચેરી ખાતે એકત્ર થયા હતા.જ્યા પ્રાંત અધિકારીએ કે કલસરીયાને આવેદનપત્ર અપાયું હતું.જેમાં જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં હિન્દુ – મુસ્લિમ તહેવારો આવતા હોઈ જનતાની આવશ્યક સેવાઓ તાકીદે વ્યવસ્થા કરવા જણાવ્યું
તથા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટરો ઉભરાય છે અને સરેઆમ રસ્તાઓ પર ફેલાતા દુર્ગંધ ફેલાવે છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે કુંડીના ઢાંકણા તૂટી ગયેલા તથા અમુક કુંડીઓના ઢાંકણાં નથી,સાફ સફાઈ ન થવાને કારણે અલગ અલગ વિસ્તારોમાં કચરાના ઢગ છે,
પાણી પુરવઠો ખુબ જ ઓછા પ્રમાણમાં અનિયમિત રીતે પૂરો પાડવામાં આવે છે.ગટરો ઉભરાવાને કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદું પાણી મિક્સ થઈ ઘરોમાં આવે છે.આ સહિત છેલ્લા છ વર્ષમાં સ્ટ્રીટ લાઈટના કામે કરોડો રૂપિયાની ઈલેક્ટ્રિક સામાનની ખરીદી થઈ છે.
છતાંય શહેરમાં પૂર્ણ રીતે સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા નથી પાલિકા સત્તાધીશો દ્વારા આવશ્યક સેવાના કામો પ્રત્યે આંખ આડા કાન કરી જવાબદારી માંથી છટકવા તથા વહીવટ ગેરવલ્લે પાડી કામગીરી નહી કરી જનતા પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યાં છે.
સદર કામો તાત્કાલિક નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને પાલીકાને તાળાબંધી કરવાની ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારી હતી. આવેદનપત્ર આપવા યુથ કોંગ્રેસ પ્રમુખ શહેર પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.