જમ્મુ-કાશ્મીરમાં માઈનસ ૨૨ ડિગ્રી ઠંડી
(એજન્સી) નવી દિલ્હી, દેશના મેદાની વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કાશ્મીરમાં હાડ થીજાવી દેનારી ઠંડી પડી રહી છે. શીત લહેર અહીં સતત તબાહી મચાવી રહી છે. લઘુત્તમ તાપમાન માઈનસ ૩ થી માઈનસ ૨૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.
જમ્મુ અને કાશ્મીરની રાજધાનીમાં માઈનસ ૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, યારે ઝોજિલામાં તાપમાન માઈનસ ૨૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
નદીઓ ઝરણાઓ થીજી ગયા હતા. દક્ષિણ કાશ્મીરની વાત કરીએ તો શોપિયાં ત્યાંનો સૌથી ઠંડો વિસ્તાર હતો. શોપિયાંમાં તાપમાન માઈનસ ૬.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ લેહની સ્થિતિ કાશ્મીર કરતાં પણ ખરાબ છે. લેહમાં તાપમાન માઈનસ ૧૦ ડિગ્રીએ પહોંચી ગયું હતું.કડકડતી ઠંડીએ ખીણ પર પણ તેની પકડ મજબૂત કરી દીધી છે અને શુષ્ક મોસમ વચ્ચે તાપમાન વધુ નીચે ગયું હતું.
શ્રીનગર સહિત લગભગ તમામ સ્થળોએ લોકોએ સિઝનની સૌથી ઠંડી રાત વિતાવી. અહીં, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨૪ કલાક દરમિયાન ખીણમાં હવામાન સૂકું રહેશે અને આ દરમિયાન તીવ્ર ઠંડી યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પહાડોમાં થયેલી હિમવર્ષા બાદ ખીણમાં હવામાન સૂકું રહ્યું છે, જો કે સૂકી સિઝનમાં તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે જેના કારણે સમગ્ર ખીણમાં તીવ્ર ઠંડી પડી રહી છે. દરમિયાન, હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ખીણમાં હવામાનની પેટર્ન ૧૮ ડિસેમ્બર સુધી આવી જ રહેશે.