વિધાનસભામાં સભ્યોએ વક્ફ કાયદા વિરુદ્ધ પત્રિકાઓ લહેરાવી -પ્રશ્નકાળના પેપર ફાડી નાખ્યા

વક્ફ કાયદા મામલે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી
(એજન્સી)શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં મંગળવારે બીજા દિવસે પણ વક્ફ એક્ટ પર હોબાળો ચાલુ રહ્યો હતો. ભાજપના ધારાસભ્યોએ નેશનલ કોન્ફરન્સના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વક્ફ કાયદા પર ચર્ચાની માંગ પર અડગ રહ્યાં હતા.
બીજા દિવસે પણ હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી. આ સમય દરમિયાન એનસી અને પીપલ્સ કોન્ફરન્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. એનસી અને પીડીપીના ધારાસભ્યો વચ્ચે પણ તણખા ઝર્યાં હતા. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વિધાનસભામાં વક્ફ કાયદા પર ચર્ચાની માંગ પર અડગ રહ્યાં હતા. સોમવારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વક્ફ એક્ટને લઈને ભારે હોબાળો થયો હતો.
શાસક પક્ષના ધારાસભ્યોએ તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું હતું. જ્યારે ભાજપેએ વિરોધ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. જેથી મામલો ગરમાયો હતો અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય ઇરફાન અહેમદ લોન અને ભાજપના ધારાસભ્ય સતીશ શર્મા વચ્ચે ઝપાઝપી થઈ હતી.
૧૩ દિવસ પછી શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રના બીજા તબક્કાનો પહેલો દિવસ હંગામાથી ભરેલો રહ્યો હતો. સવારે પ્રશ્નકાળ શરૂ થતાંની સાથે જ શાસક પક્ષ, કોંગ્રેસ, પીડીપી અને અપક્ષ ધારાસભ્યોના તનવીર સાદિકે વક્ફ કાયદા પર ચર્ચા કરવા માટે સ્થગિત પ્રસ્તાવની માંગ કરી હતી. આને સ્પીકર એડવોકેટ અબ્દુલ રહીમ રાથેર દ્વારા ફગાવી દેવામાં આવ્યું હતું.
તેમણે વિધાનસભાના નિયમ ૫૮ ના પેટા-નિયમ સાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું, કોર્ટમાં પેન્ડિંગ મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા થઈ શકતી નથી. શાસક પક્ષના ધારાસભ્યો અને સાથી પક્ષોએ આનો વિરોધ કર્યો હતો. તેમજ વેલ તરફ ધસી જઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. બીજી તરફ કાયદાના સમર્થનમાં ભાજપાના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યાં હતા.
તેમજ કહ્યું હતું કે,દેશના ગૃહ દ્વારા પસાર કરાયેલા કાયદા પર જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી. શાસક પક્ષ આ મામલે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. ઉગ્ર બોલાચાલી વચ્ચે, નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો સલામ સાગર, સજ્જાદ શાહીન, તનવીર સાદિક અને અન્ય લોકો વેલ તરફ આગળ વધ્યા અને વક્ફ કાયદા વિરુદ્ધ પત્રિકાઓ લહેરાવી હતી. જ્યારે સલમાને પ્રશ્નકાળના પેપર ફાડી નાખ્યા હતા.