બિસ્કીટના ગોડાઉનમાં ભીષણ આગથી લાખોનું નુકસાન
(એજન્સી)જામનગર, જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરીવાળી ગલીમાં આવેલા પીપર બિસ્કીટના હોલસેલના વેપારીના ગોડાઉનમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ સહિતના હોલસેલના જથ્થાને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ ત્રણ ફાયર ફાઈટરની મદદથી આગ બુજાવવા માટેની કામગીરી હાથ ધરી હતી.
ગોડાઉન ચોતરફથી પેક હોવાના કારણે અંદર ધુમાડો એકત્ર થઈ જતાં ફાયર શાખાની ટુકડીએ સ્પેશિયલ કીટ પહેરીને ગોડાઉનમાં ઉતારવાનો વારો આવ્યો હતો. જામનગરના ત્રણ દરવાજા નજીક પોટરીવાળી ગલીમાં આવેલા હોલસેલના વેપારીના ગોડાઉનમાં મંગળવારે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગી હતી.
ગોડાઉન ચારેય તરફથી પેક હોવાથી અંદર રહેલો પુઠ્ઠા પ્લાસ્ટિકનો જથ્થો સળગવા લાગ્યો હતો. ત્યારબાદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના વિસ્તારના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટિમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી.