જામનગર હનીટ્રેપ કેસમાં બ્રેકથ્રૂ: રૂ.૭.૨૫ લાખ પડાવનાર વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો

AI Image
જામનગરમાં હનીટ્રેપમાં ફસાવી રૂ.૭.રપ લાખ પડાવનાર વોન્ટેડ આરોપી ઝડપાયો
જામનગર, જામનગરની ખોડીયાર કોલોનીમાં બે મહિના અગાઉ એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી રૂ.૭.રપ લાખ પડાવવાના ગુનામાં વોન્ટેડ સુરતના શખ્સને સુરત શહેર એસઓજીએ ઝડપી પાડી તેનો કબજો જામનગર પોલીસને સોપ્યો છે. હનીટ્રેપના આ બનાવમાં પોલીસ બનીને ગયેલો શખ્સ અગાઉ પણ પકડાયો છે અને વર્ષો અગાઉ માલેતુજાર ‘ગે’ને પણ ફસાવી પૈસા પડાવતાં પકડાયો હતો.
સુરત એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે કાપોદ્રા ચાર રસ્તા પાસેથી હરેશ ઉર્ફે નવુ હિમતભાઈ ખેરાળા (ઉ.વ.૩૦, રહે. મકાન નં.૧પ૦, ગીતાનગર, સીતાનગર ચોક, પુણાગામ, સુરત, મુળ રહે. ઘેટી ગામ, તા.પાલીતાણા, જી.ભાવનગર)ને ઝડપી લીધો હતો. સુરત એસઓજીએ તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પોતાના મિત્ર હિતેન ચૌહાણ અને તેની માતા સંગીતાબેન તેમજ કાળુભાઈ બારૈયા
તથા હિતેનના બીજા મિત્ર હિતેન ચૌહાણ સાથે જામનગર ગયો હતો અને ત્યાં હિતેને તેની માતા સંગીતાબેને એક વ્યક્તિને જામનગરમાં ખોડીયાર કોલોની ખાતે એક મકાનમાં ખોટા કામ માટે બોલાવ્યો છે અને આપણે ત્યાં પોલીસ બનીને રેડ કરવાની છે. તેમ કહેતા તે સાથે ગયો હતો. બાદમાં તે હિતેન, રાજુભાઈ, નિતીનભાઈ રબારી તથા અન્ય્ બે અજાણ્યા શખ્સ સાથે જામનગર ખોડીયાર કોલોનીના એક મકાનમાં ગયો હતો
અને ત્યાં રૂમમાં એક વ્યક્તિ તથા હિતેનની માતા કઢંગલી હાલતમાં હોય બધાએ પોલીસની ઓળખ આપી તે વ્યક્તિને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.૬ લાખ આંગડીયા મારફતે મંગાવ્યા હતા અને બીજા રૂ.૧.રપ લાખ પણ ધમકી આપી કાળુભાઈ બારૈયાએ કઢાવ્યા હતા.
જામનગર સીટી સી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તે વોન્ટેડ હોવાથી એસઓજીએ તેનો કબજો જામનગર પોલીસને સોંપ્યો હતો. સાડી ઉપર સ્ટોન લગાવવાનું કામ કરતો હિરેન કે જે સુરતના જહાંગીરપુરા અને ચરોલી પોલીસ મથકમાં પણ હનીટ્રેપના ગુનામાં ઝડપાયો હતો.