રીબડાના અનિરુદ્ધસિંહની જામનગર જેલમાં કેદી સાથે મુલાકાત; જેલ અધિક્ષકની બદલી

જામનગર જેલમાં કેદીને ગેરકાયદે મળવા દેવાના પ્રકરણમાં જેલ અધિક્ષકની બદલી કરાઈ
જામનગર, જામનગર જિલ્લા જેલમાં બંધ નામચીનકેદીને ગેરકાયદે મળવા દેવાના ચકચારી પ્રકરણમાં અંતે તપાસ પૂરી કરી ગૃહ વિભાગને રિપોર્ટ સોપાતા ગૃહ વિભાગે જેલ અધિક્ષકની બદલી કરી નાંખી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય એક જેલ કર્મચારીની પણ બદલી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા જેલમાં મોટા માથાઓની ગેરકાયદેસર મુલાકાત કાંડમાં સંબંધિત અધિકારીઓની ભૂંડી ભૂમિકા સામે આવી હતી. ગત તા.૩૧.૧ના જામનગર જિલ્લા જેલમાં સૌરાષ્ટ્રના મોટા માથા ગણાતા ૩ વ્યક્તિએ પ્રવેશ કરી બે કેદી સાથે મુલાકાત કરી હતી જે પ્રકરણ જામનગર એસપી સુધી પહોંચ્યા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તપાસ શરૂ કરી હતી અને જેલના સીસીટીવી કેમેરાના કુટેજ તપાસ્યા હતા.
જેમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, રાજકોટના ભૂપત ભરવાડ સહિત ત્રણ શખસ જેલમાં પ્રવેશતા જોવા મળ્યા હતાં અને જેલરની ચેમ્બરમાં રજાક અને યશપાલસિંહ સાથે મુલાકાત કરી હતી
જેના આધારે જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે તપાસ પૂરી થતાં ગૃહ વિભાગ દ્વારા તાકીદની અસરથી જામનગર જિલ્લા જેલના અધિક્ષક એમ.એન.જાડેજાની રાજપીપળા ખાતે બદલી કરી નાખવામાં આવી છે અને પાલનપુરથી વી.પી. ગોહિલને જામનગરમાં તેમના સ્થાને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ઘટનામાં અન્ય જેલ કર્મચારી દિવ્યરાજસિંહ જાડેજા પણ સંડોવાયેલ હોવાનું સામે આવતા તેની પણ બદલી કરી નાખવામાં આવી છે.