રેલવેના ૩૪.૯ર કરોડની વસૂલાત માટે જામનગર મહાપાલિકાએ મિલકત સીલ કરી

વર્ષોથી બાકી લેણાં વસુલવા આકરૂં પગલું ઃ રેલવેની કાર્યરત કચેરી ખાલી કરાવીને સીલ મારતા મુંબઈ-દિલ્હી સુધી ફોન ધણધણ્યા
જામનગર, જામનગર મહાપાલિકાના સૌથી મોટા બાકીદાર એવા રેલવે વિભાગ દ્વારા લાંબા સમયથી સર્વિસ ચાર્જની રૂ.૩૪.૯ર કરોડની રકમ ભરપાઈ કરવાની થાય છે, જે આખરી નોટિસ આપવા છતાં પણ રેલવે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં ન આવતા આખરે મ્યુનિસિપલ ટેકસ કમિશનરની ટીમ જી.જી. હોસ્પિટલની બાજુમાં આવેલી રેલવેની કચેરીએ પહોંચી જઈ ચાલુ ઓફીસને ખાલી કરાવી ત્યાં સીલ લગાવી દેતા દોડધામ થઈ ગઈ હતી.
સુપ્રિમ કોર્ટના જજમેન્ટ અનુસાર કેન્દ્ર સરકારની મિલ્કતોમાં મ્યુનિ. સર્વિસ ચાર્જ વસુલ કરવાનો હકક રહે છે અને તે અનુસાર મહાપાલિકા દ્વારા રેલવે વિભાગને આ ચુકાદો આવ્યા બાદ સને ર૦૦૯ થી આજ સુધી સર્વિસ ચાર્જ ભરપાઈ કરવા અને એમઓયુ કરવા અનેક વખત પત્રો તથા સર્વિસ ચાર્જના બીલો મોકલી પત્રવ્યવહાર કરવામાં આવ્યા છે.
જે બાબતે તા.૧૪.૧ર.ર૦ર૩થી એમઓયુ કરવામાં આવેલા, જેને ૬ માસ જેટલો સમય વીતી ગયો હોય, રેલવે દ્વારા સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરવામાં આવી નથી. રેલવે વિભાગને માંગ્યા મુજબની તમામ વિગતો અત્રેથી પુરી પાડવામાં આવી છે અને પુરતી તકો આપવામાં આવી છે. જયારે મ્યુનિ. કમિશનરની સહીથી આખરી નોટિસ પણ પાઠવવામાં આવી છે તેમ છતાં રેલવે વિભાગ સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરવામાં આવી નહોતી.
આમ રેલવે વિભાગ દ્વારા સુપ્રિમ કોર્ટના ચુકાદા અને મહાપાલિકા સાથે થયેલા એમઓયુની શરતોનો સંપૂર્ણ ભંગ કરવામાં આવ્યો છે જેથી રેલવે વિભાગની જુદી-જુદી ૧૩ મિલકતોમાં તા.૩૧.૩.ર૦ર૪ સુધી કુલ બાકી સર્વિસ ચાર્જની રકમ રૂ.૩૪.૯ર કરોડની રકમ વસુલ કરવાની થાય છે,
જે અન્વયે ધી બીપીએમસી એકટ ૧૯૪૯ની કલમ અનુસાર રેલવેની જી.જી. હોસ્પિટલની બાજુમાં આવેલી મિલકતમાં સર્વિસ ચાર્જ વસુલાત કરવાના ભાગરૂપે રેલવેની ચાલુ કચેરી કે જેમાં સ્ટાફ હાજર હતો, તેઓને ખાલી કરાવી અને મિલકત ઉપર જા.મ્યુ.કો.એ. સીલ લગાવી દેતા ભારે દોડધામ થઈ ગઈ હતી અને છેક મુંબઈ-દિલ્હી સુધી રેલવે તંત્રમાં ફોન ધણધણ્યા હતાં.