Western Times News

Gujarati News

ટ્રક પર બેઠેલા ત્રણ શ્રમિકોને ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી લાગ્યો વીજ આંચકો

પ્રતિકાત્મક

ફાયર બ્રિગેડ સહિતની ટુકડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી, મૃતદેહના કબજો સંભાળી, કાલાવડ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો

જામનગર, જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં જીવાપર રોડ પર ગઈકાલે સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો કપાસનો જથ્થો ભરીને જઈ રહેલા એક ટ્રક ઉપર ત્રણ શ્રમિકોને બેસાડ્યા હતા, તે ટ્રક પસાર થતી વખતે ૬૬ કેવી વીજ લાઈનને ઉપરથી અડી ગયો હતો, જેથી ટ્રકની કેબીન પર બેઠેલા ત્રણ શ્રમિકો પૈકીના એક શ્રમિકનું વીજ અચકો લાગવાના કારણે અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે અન્ય બે શ્રમિકો ઇજાગ્રસ્ત બન્યા છે, તેઓની સારવાર ચાલી રહી છે. જે બનાવની જાણ થતાં કાલાવડ પોલીસ, પીજીવીસીએલ, ફાયર બ્રિગેડ સહિતની ટુકડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી, મૃતદેહના કબજો સંભાળી, કાલાવડ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં રહેતો દેવરાજભાઈ ધનાભાઈ રાઠોડ નામનો ટ્રક ચાલક પોતાનો જી.જે. ૧૦ ટી.વાય. ૭૭૦૧ નંબરનો ટ્રક લઈને તેમાં કપાસનો જથ્થો ભરીને કાલાવડ જીવાપર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. જે ટ્રકમાં ત્રણ મજૂરો કાલાવડમાં રહેતા ઇસ્માઈલ જુમાભાઇ સંધી ઉપરાંત વીકેસ ઉર્ફે વિકાસ સાગરભાઇ અજનાર તેમજ હુસેનભાઇ સુમરાને ઉપર બેસાડ્યા હતા.

જે ટ્રક પુરઝડપે , બેફીકરાઇથી અને ગફલત ભરી રીતે ચલાવશે અને અકસ્માત થશે, અથવા તો ઉપર બેસેલ વ્યક્તિ કોઈ વૃક્ષ સાથે અથડાશે, અથવા તો કોઈ વીજ વાયરને અડી જશે તો તેનુ મૃત્યુ થશે તેવુ જાણવા છતા ટ્રકની કેબીનના ઉપરના ભાગે બેઠેલા ઈસ્માઈલભાઇ જુમાભાઇ સોરા, વિકેશ ઉર્ફે વિકાસ સાગરભાઈ અજનાર તથા હુશેનભાઈ સુમરાને બેસાડી પોતાની ટ્રક પુરઝડપે, બેફીકરાઇથી અને ગફલત ભરી રીતે ચલાવી હતી. જે કાલાવડના જીવાપર રોડ ઉપર ગૌશાળા પાસે પહોંચતા રોડ ક્રોસ કરતી વીજલાઈન વિકેશને અડી જતાં શોર્ટ લાગતાં તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું.

આ ઉપરાંત ટ્રકમાં બેઠેલા ઈસ્માઈલ જુમાભાઇ શંધી ને પણ વીજ કરંટ લાગતાં વાસાના ભાગે તથા પગના ભાગે દાજી જતા તેમજ કાન તથા મોઢાના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. તથા હુશેનભાઈ સુમરાને સામાન્ય ઈજા થઈ હતી. જે બંનેને સારવાર અપાઈ રહી છે.

આ અકસ્માતના બનાવની જાણ થતા સૌપ્રથમ કાલાવડની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને પોલીસે તાત્કાલિક અસરથી પીજીવીસીએલની ટીમ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા કાલાવડની વીજ ટુકડી ઉપરાંત ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ટ્રકમાં પડેલો કપાસનો જથ્થો ઉપડતી સળગી ગયો હતો, જેને પાણીના મારો ચલાવીને ઠારી દીધો હતો.

આ ઉપરાંત ૬૬ કેવી વિજ લાઇન જોકે ટ્રીપ મારી ગઈ હતી. તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરાવી દીધા બાદ ટ્રકને સાઈડમાં ખસેડી લેવામાં આવ્યો હતો, અને આખરે મોડેથી વિજ પુરવઠો પણ પૂર્વવત બનાવી દેવાયો હતો. આ વિચિત્ર અકસ્માત સર્જવા અંગે કાલાવડ પોલીસે ઇજાગ્રસ્ત શ્રમિક ઈસ્માઈલભાઈ સંધિની ફરિયાદના આધારે ટ્રક ચાલક દેવરાજભાઈ ધનાભાઈ રાઠોડ સામે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.