શ્રીનગરના લાલ ચોકમાં પણ નીકળી જન્માષ્ટમીની શોભાયાત્રા

(એજન્સી)નવી દિલ્હી, જમ્મુ અને કાશ્મીરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને શોભાયાત્રા પણ કાઢવામાં આવી. શ્રીનગરમાં, શહેરના મધ્યમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને લાલ ચોક ખાતે સમાપ્ત થઈ. જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરની સડકો પર હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ જાેવા મળ્યું.
જન્માષ્ટમીના અવસર પર કાશ્મીરી પંડિત સમુદાયના લોકોએ ગુરુવારે (૭ સપ્ટેમ્બર) ભગવાન કૃષ્ણની શોભાયાત્રા કાઢી હતી. જેમાં મુસ્લિમ સમાજના લોકોએ પણ ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન ભગવાન કૃષ્ણની પુષ્પોથી શણગારેલી ઝાંખી કાઢવામાં આવી હતી.
યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ કાશ્મીરી પંડિત સમુદાયના પુરુષોએ ભાગ લીધો હતો અને ભગવાન કૃષ્ણના ભક્તિ સંગીત પર પરંપરાગત કાશ્મીરી નૃત્યો રજૂ કર્યા હતા. આ દરમિયાન ભક્તો હાથમાં ઢોલ અને ઘંટડી લઈને જાેવા મળ્યા હતા.
ઘણા વર્ષો પછી આવી ભવ્ય યાત્રા કાશ્મીરમાં જાેવા મળી હતી, જેમાં સ્થાનિક લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યાત્રા શ્રીનગરના હબ્બા કદલ સ્થિત કમલેશ્વર મંદિરથી નીકળી હતી અને શ્રીનગર શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને લાલ ચોક પહોંચી હતી.