Western Times News

Gujarati News

જાપાનની 350 થી વધુ કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ કર્યું છે

જાપાનના મહાવાણિજ્યદૂત યાગી કોઝીની ગાંધીનગરમાં રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત –જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર અને ગુજરાત રાજ્ય વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર અને સહયોગ ઘનિષ્ઠ બનશે

જાપાન-ગુજરાત વચ્ચેના મૈત્રીપૂર્ણ ઘનિષ્ઠ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા ઉષ્માપૂર્વક વિમર્શ

ભારતમાં જાપાનના કોન્સ્યુલ-જનરલ મહાવાણિજ્યદૂત શ્રી યાગી કોઝીએ આજે ગાંધીનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ જાપાન-ગુજરાત વચ્ચેના મૈત્રીપૂર્ણ ઘનિષ્ઠ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા ઉષ્માપૂર્વક વિમર્શ કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથેની વાતચીતમાં મુંબઈ ખાતેના જાપાનના મહાવાણિજ્યદૂત શ્રી યાગી કોઝીએ કહ્યું હતું કેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે જાપાનના વર્તમાન પ્રધાનમંત્રી શ્રી ફુમિયો કિશિદા અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો આબેના મૈત્રીપૂર્ણ સંબંધોને પરિણામે ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત જાપાનીઝ કંપનીઓમાં પસંદગીનું રાજ્ય છે.

જાપાનની 350 થી વધુ કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ કર્યું છે. ઔદ્યોગિક અને આર્થિક વિકાસની સાથોસાથ જાપાનની કંપનીઓ ગુજરાતમાં માળખાકીય સુવિધાના વિકાસ વિસ્તારમાં પણ સહયોગી છે.

જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન ભારતમાં પોતાનો પાંચમો પ્લાન્ટ શરૂ કરી રહી છેએમ કહીને શ્રી યાગી કોઝીએ કહ્યું હતું કે, 19મી સદીના અંતમાં ગુજરાતથી આવીને ઘણા ઉદ્યોગપતિઓ-વેપારીઓ જાપાનમાં સ્થાયી થયા છે. જાપાનના કોબે શહેર અને અમદાવાદ વચ્ચે સિસ્ટર સિટી‘ સમજૂતી થઈ છે.

આવનારા સમયમાં જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર અને ગુજરાત રાજ્ય વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર અને સહયોગ ઘનિષ્ઠ બનશે. તેમણે એમ પણ કહ્યું હતું કેઆવનારા મહિનાઓમાં અમદાવાદમાં પણ જાપાનના મહાવાણિજ્ય દુતાવાસનું કાર્યાલય શરૂ કરાશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં જાપાનના મૂડી રોકાણ અને આર્થિક-ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કેભારતમાં અત્યારે કેટલાક રાજ્યોમાં અતિવૃષ્ટિ છે તો ક્યાંક અનાવૃષ્ટિ છે. ગ્લોબલ વૉર્મિંગના આવા દુષ્પરિણામો વિશે ચર્ચા કરવા અને આવી સમસ્યાઓના નિરાકરણ માટે જાપાન જેવા ટેકનોલોજી પ્રધાન દેશે ભારતના સહયોગ સાથે વૈશ્વિક સંવાદ સાધવા આગળ આવવું જોઈએ.

તેમણે એમ પણ કહ્યું કેગ્લોબલ વૉર્મિંગ માટે જવાબદાર એવા એક પરિબળ રાસાયણિક ખેતીને છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. તેમણે જાપાન પણ પ્રાકૃતિક ખેતી અપનાવે એ દિશામાં પ્રયત્નો કરવા શ્રી યાગી કોઝીને અનુરોધ કર્યો હતો.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી યાગી કોઝીને પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ નેચરલ ફાર્મિંગ‘ ભેટ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.