જાપાનના ઓસાકા ખાતે 4 થી 17 મે, 2025 સુધી આયોજિત વર્લ્ડ એક્સ્પો 2025માં બનાવવામાં આવેલા ભારત પેવેલિયનમાં ગુજરાતનો દબદબો

ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસને રજૂ કરતી કલાકૃતિઓ તેમજ જાપાનીઝ ભાષામાં શ્રીમદ્ ભગવદ ગીતા ગુજરાત ઝોનમાં દર્શાવવામાં આવી
એક્સ્પો શરૂ થયાના પાંચ દિવસ સુધી દરરોજ સરેરાશ 11,000 મુલાકાતીઓએ ભારત પેવેલિયન ખાતેના ગુજરાત ઝોનની મુલાકાત લીધી
મુલાકાતીઓમાં ગુજરાતના સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળવાનું તેમજ ગુજરાતના કલાકારો સાથે ફોટા પડાવવાનું મુખ્ય આકર્ષણ
Ahmedabad, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સતત વિકાસની આગેકૂચ કરી છે, અને વિશ્વ ફલક પર એક વિકસિત રાજ્ય તરીકે પોતાની મજબૂત છબિનું નિર્માણ કર્યું છે. ગુજરાતના ઇતિહાસ અને તેની સંસ્કૃતિ પ્રત્યે વિશ્વભરના લોકોમાં આકર્ષણ છે અને જાપાનના ઓસાકામાં યોજાયેલા વર્લ્ડ એક્સ્પો 2025માં ગુજરાતની સંસ્કૃતિને જોવા માટે વિશ્વભરના મુલાકાતીઓ ઉમટી પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જાપાનના ઓસાકા ખાતે 4 મે થી 17 મે, 2025 દરમિયાન વર્લ્ડ એક્સ્પો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. એક ઝીણવટભરી વિચારપ્રક્રિયા તેમજ સર્જનાત્મક અને સાંસ્કૃતિ અભિગમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે આ એક્સ્પોમાં વિશ્વ સમક્ષ પોતાના વેપાર, સંસ્કૃતિ અને પ્રવાસનનું પ્રતિનિધિત્વ કરવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે, જેનું નેતૃત્વ ઇન્ડેક્સ-બી (iNDEXTb) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
વર્લ્ડ એક્સ્પોમાં નિર્મિત ભારત પેવેલિયનમાં ગુજરાત ઝોનનો દબદબો જોવા મળી રહ્યો છે. 4 મેથી શરૂ થયેલ આ એક્સ્પોમાં સતત પાંચ દિવસ સુધી એટલે કે 8 મે, 2025 સુધી દરરોજ સરેરાશ 11,000 મુલાકાતીઓએ ભારત પેવેલિયન સ્થિત ગુજરાત ઝોનની મુલાકાત લીધી છે.
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અગ્ર સચિવ સુશ્રી મમતા વર્મા (IAS)એ જણાવ્યું કે, “આટલા મોટા પ્લેટફોર્મ પર અમે વિઝન 2047ની તર્જ પર આધુનિક, શહેરીકૃત અને ટેકસૅવી ગુજરાત પ્રદર્શિત કર્યું છે. અમે જાપાન અને વિશ્વભરના મુલાકાતીઓના હૃદયને સ્પર્શી જાય તેવી મોટી અસર ઉભી કરવા માટે પ્રદર્શન સાથે અમારી સંસ્કૃતિનું સંમિશ્રણ કર્યું છે.”
ઉદ્યોગ કમિશનર અને iNDEXTb ના ચેરમેન શ્રી સ્વરૂપ પી. (IAS)એ જણાવ્યું હતું કે, “મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે ટેક્નોલોજી અને સંસ્કૃતિએ વૈશ્વિક પ્રેક્ષકોમાં ભારત માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર રાજ્ય તરીકે ગુજરાતની આધુનિક અને પ્રગતિશીલ છબિનું નિર્માણ કર્યું છે. હું અમારા ભાગીદારો, DPIIT, ITPO અને CGI, ઓસાકાનો તેમના સહકાર બદલ ખૂબ આભાર માનું છું.”
વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાની લાક્ષણિકતા ધરાવે છે ગુજરાત ઝોન
ગુજરાત રાજ્યના પ્રતિનિધિત્વમાં વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટેની લાક્ષણિકતાઓ છે. ભારત પેવેલિયનમાં જે ગુજરાત ઝોન ઊભો કરવામાં આવ્યો છે, તેમાં ગુજરાત સંબંધિત વિવિધ વિશેષતાઓને રજૂ કરવામાં આવી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
1. ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ અને જાપાન સાથેના તેના સંબંધોને રજૂ કરતી કલાકૃતિઓ અને પુસ્તકો, જેમાં જાપાની ભાષામાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ થાય છે.
2. ગુજરાતના પ્રવાસન, સંસ્કૃતિ અને પરંપરાગત વસ્ત્ર-પરિધાનનો વાસ્તવિક અનુભવ કરાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ
3. એક QR કોડ સક્ષમ 3D મોડેલ, જે ગુજરાતના વિકાસને એક એવા રાજ્ય તરીકે પ્રદર્શિત કરે છે, જે પવન ઊર્જા, સેમિકન્ડક્ટર, સ્માર્ટ શહેરો, અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં વધુ સારા વિશ્વનું નિર્માણ તેમજ રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યું છે
4. ગુજરાતના પરંપરાગત લોકનૃત્યો અને સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવા માટે એક કલ્ચરલ ટ્રુપ એટલે કે સાંસ્કૃતિક મંડળ
5. ગુજરાતમાં વેપાર સમુદાયો અને પ્રવાસીઓને આમંત્રિત કરવાના હેતુથી રાજ્યના પ્રવાસન, વેપાર અને રોકાણ અંગેની ફિલ્મો
પાંચ દિવસ સુધી દરરોજ સરેરાશ 11,000 લોકોએ લીધી ગુજરાત ઝોનની મુલાકાત
વર્લ્ડ એક્સ્પો 2025માં ગુજરાત ઝોનનું આકર્ષણ મુલાકાતીઓમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તેની પુષ્ટિ એ બાબત પરથી થાય છે કે 4 મેથી શરૂ થયેલા આ એક્સ્પોમાં સતત પાંચ દિવસ સુધી, એટલે કે 8 મે, 2025 સુધી ભારત પેવેલિયન ખાતેના ગુજરાત ઝોનની દરરોજ સરેરાશ 11,000 લોકોએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતીઓમાં અન્ય પ્રદર્શનકારી દેશોના લોકો તેમજ જાપાનના સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે. કેટલાક ઉચ્ચ સ્તરીય મહાનુભાવો અને લોકપ્રિય હસ્તીઓએ પણ ગુજરાત ઝોનની મુલાકાત લીધી છે અને જાપાનના મીડિયાએ ગુજરાત ઝોન અને ભારત પેવેલિયનને કવર કર્યું છે.
ગુજરાતના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોના શૉ હાઉસફુલ, AI ફોટો બૂથ પર લોકોની લાંબી લાઇન
મુલાકાતીઓમાં ગુજરાતના સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળવાનું તેમજ ગુજરાતના નૃત્ય કલાકારો સાથે ફોટો પડાવવા માટેનું આકર્ષણ સૌથી વધુ જોવા મળ્યું છે. ત્યારબાદના આકર્ષણોમાં AI ફોટો બૂથ અને VR પ્રવાસન આધારિત અનુભવોનો સમાવેશ થાય છે. નૃત્ય કલાકારોના તમામ શૉ અને વર્કશોપ્સ અત્યારસુધી હાઉસફુલ રહ્યા છે અને સાંજે તેમાં લોકોની ભીડ ઉમટી પડે છે.
ટેક્નોલોજીના માધ્યમથી ગુજરાતનો અનુભવ કરવા માટે VR અને AI ફોટોબૂથ પર લોકોની લાંબી લાઇનો લાગે છે. મુલાકાતીઓ QR કોડ આધારિત જાણકારીઓ દ્વારા ગુજરાતની કલાકૃતિઓ વિશે વધુ માહિતી મેળવે છે, જેનાથી તેમને તે ચીજવસ્તુઓના ઇતિહાસ અને ઉત્પત્તિ વિશે વિગતવાર જાણકારી મળે છે. આ ઉપરાંત, બાળકો અને યુવાનોમાં 3ડી મોડેલને નજીકથી જોવા માટે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે પ્રોફેશનલ લોકો મોડલ પર લાગેલા QR કોડનો ઉપયોગ કરીને જાણકારી મેળવી રહ્યા છે.