જશોદાનગર ચાર રસ્તા પાસે પડેલો ભુવો ક્યારે પુરાશે ?

ભુવાની આસપાસ બેરીકેડ મૂકવાથી ટ્રાફિકની ઉદ્ભવતી સમસ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં રસ્તાઓ સરસ બને છે. પરંતુ ત્યાર પછી થોડા સમયમાં અન્ય કોઈ ડીપાર્ટમેન્ટના લોકો આવીને એવુ ખોદકામ કરે છે જેને કારણે રસ્તાઓની સૂરત બગડી જાય છે. આવુ અનેક વખત બનતુ જોવામાં આવ્યું છે.
આજકાલ તો નાના-મોટા ભુવા પડી જવાની ઘટના આકાર લઈ રહી છે. ભુવા તો પડતા હોય છે પણ તેને પુરવાની કામગીરી ગોકળગાયની ગતિથી ચાલે છે એટલે ત્યાં સુધી તો વાહનચાલકોને હેરાન પરેશાન થવાનુ પણ બીજી તરફ એની રીપેરીંગની કામગીરી એવા સમયે થાય કે તકલીફમાં ઓર વધારો થાય. ઉદાહરણ તરીકે શહેરને અડીને આવેલા જશોદારનગર ચાર રસ્તા પાસે એક નાનકડો ભુવો પડયો છે.
ઘણા સમયથી નાનો ભુવો ધીમેધીમે મોટો થાય તેવા એંધાણ વર્તાઈ રહયા છે. ભુવાને કવર કરવા માટે પોલીસ ઉપયોગમાં લે તેવા પીળા લકરના બેરીકેડ ગોઠવી દેવામાં આવ્યા છે. આ એક સારી વાત છે કમસેકમ કોઈ ભુવામાં તો પડે નહી. પરંતુ આ પ્રકારે બેરીકેડ મૂકવાથી જગ્યા સાંકડી થઈ જાય છે વળી આ તો મુખ્યમાર્ગ ઉપર છે. જશોદાનગર ચાર રસ્તા પર આમેય ટ્રાફિકજામ થઈ જાય છે એટલે આ ભુવો પુરાય નહી ત્યાં સુધી બેરીકેડ હટે નહી.
આ એક સ્વાભાવિક વાત છે પરંતુ આ ભુવાને પુરીને રસ્તો કલીયર કરવાની પ્રક્રિયા કયારે હાથ ધરાશે. નોમેલી એવુ જોવામાં આવ્યુ છે કે મોટા ભુવાને પુરવાની પ્રક્રિયા ચોમાસા આગળના દિવસોમાં જાય છે કદાચ તેની પાછળ ટેકનીકલ કારણ હોઈ શકે છે.
પરંતુ એક વખત રસ્તા ચોખ્ખા ચણક બન્યા પછી તેને ખોદીને કામગીરી કરવી તેના કરતા પહેલા કામગીરી કરીને પછી રોડ- રસ્તા બનાવવાનું આયોજન થાય તે જરૂરી છે. ભુવા પડયા પછી તેના સમારકામની પ્રક્રિયા વેગવંતી બને તે આવશ્યક છે. જશોદાનગર ચાર રસ્તા પાસેનો મામલો નાનો છે પણ બેરીકેડ મોટા છે. ઓફિસના સમયે સવારે સાંજે સેંકડો વાહનચાલક માટે તે નડતરરૂપ છે.