જેમ દરેક વ્યક્તિને પોતાની માતા વહાલી હોય તેવી જ રીતે દરેક વ્યક્તિને તેમની માતા સમાન માતૃભાષા પણ વહાલી હોય

બોટાદ માહિતી ખાતાની વિશ્વ માતૃભાષા દિવસ પ્રસંગે પ્રખ્યાત લેખક અને ચિંતક જય વસાવડા સાથે ખાસ મુલાકાત
ગુજરાતી ભાષાના સંવર્ધન માટે માહિતી ખાતાનો સુંદર યજ્ઞ છે, જેમાં ગુજરાતી ભાષાને સમર્પિત કહી શકાય તેવા માણસોની ટીમ કાર્યરત છે: જય વસાવડા
માહિતી બ્યુરો, બોટાદ જય વસાવડા…એક એવું વ્યક્તિત્વ જેમણે ગુજરાતી ભાષા પ્રત્યે અપાર પ્રદાન કર્યું છે. આધુનિક પેઢીની ગુજરાતી ભાષા પ્રત્યે રુચિ વધતી રહે તે માટે તેઓ નિરંતર કાર્યરત છે. અનેક કૃતિઓના રચિયતા, વકતા, અખબારી લેખન અને સોશિયલ મીડિયા ક્ષેત્રે તેઓ યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. બોટાદ માહિતી ખાતાએ વિશ્વ માતૃભાષા દિવસ પ્રસંગે પ્રખ્યાત લેખક અને ચિંતક જય વસાવડા સાથે ખાસ મુલાકાત કરી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, “જેમ દરેક વ્યક્તિને પોતાની માતા વહાલી હોય તેવી જ રીતે દરેક વ્યક્તિને તેમની માતા સમાન માતૃભાષા પણ વહાલી હોય. જે ગુજરાતી માતા-પિતા ભલે ગુજરાતમાં રહેતા હોય કે પછી દેશમાં ગમે ત્યાં રહેતા હોય પરંતુ તેમણે તેમના સંતાનોને તેમની માતૃભાષા અવશ્ય શીખવવી જોઈએ. બાળકોને ઘરમાં પણ એવો જ માહોલ આપવો જોઈએ જેથી તેઓ પોતાની માતૃભાષા પ્રત્યે આદર કરી શકે.
વ્યાકરણની શુદ્ધિ તેમજ માતૃ ભાષા પ્રત્યે માન ખૂબ જરૂરી છે. મને કહેતાં ખૂબ જ ગર્વ થાય છે કે આપણી ગુજરાતી ભાષા ખૂબ જ સમૃદ્ધ છે. આપણી ગુજરાતી ભાષામાં સાહિત્યનો ખજાનો છે. ગુજરાતી ભાષામાં મહાન લોકો અવનવા ગીત-સંગીતના માધ્યમથી રચનાઓ આપી ગયા છે, ગુજરાતી ભાષાની કવિતાઓ ગઝલો, આપણા નાટકો વાર્તાઓ નવલકથાઓ દુનિયાના ટોચના સાહિત્યને ટક્કર મારે તે પ્રકારે રચાયા છે.
આ ખજાનો આપણી નવી પેઢીને મળે તે ખૂબ જરૂરી છે. આપણી નવી પેઢી ગુજરાતી વાંચતી લખતી અને સમજતી થાય તો જ આપણી ગુજરાતી ભાષાનો સમૃદ્ધ ખજાનો તેઓ ઉપયોગમાં લઈ શકશે. ગુજરાતી ભાષાને મેં સમજવાનો પ્રયાસ કર્યો અને તેને વિશ્વને વહેંચવાનો પ્રયાસ કર્યો જેથી લોકો પણ ઓળખતા થયા ગુજરાતી ભાષામાં કામ કરીને પણ તમે બીજી ભાષા સુધી અને બીજા દેશો સુધી પહોંચી શકો છો તેનો મને જાત અનુભવ છે.”
રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ગુજરાતી ભાષાના જતન માટે કરવામાં આવતી કામગીરી બિરદાવતા જય વસાવડાએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારનું માહિતી ખાતુ વર્ષોથી ગુજરાતી ભાષાના સંવર્ધન માટે સરસ કામગીરી કરી રહ્યું છે અને તેનો હું સાક્ષી પણ રહ્યો છું.
તેમાં મેં પણ મારા નાના-મોટા લેખો થકી, વ્યાખ્યાનો થકી પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો છે.માહિતી ખાતાનો આ સુંદર યજ્ઞ છે અને જેમાં ગુજરાતી ભાષાને સમર્પિત કહી શકાય તેવા માણસોની ટીમ કાર્યરત છે, અને ચોક્કસાઈપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે તેનો મને ખૂબ આનંદ છે.”