Western Times News

Gujarati News

જયા બચ્ચને પતિ અમિતાભ બચ્ચનને ગણાવ્યા વૃદ્ધ

મુંબઈ, એક્ટ્રેસ જયા બચ્ચને હાલમાં જ ખુલાસો કર્યો છે કે, અમિતાભ બચ્ચન તેમની બહેનપણીઓને પસંદ નથી કરતાં. જયાનું કહેવું છે કે, જ્યારે પણ તેમની બહેનપણીઓ ઘરે આવે છે ત્યારે પતિ અમિતાભનું મોં ચડી જાય છે. આ સાથે જ અમિતાભ બચ્ચનને જયાએ વૃદ્ધ કહ્યાં છે. જયા બચ્ચનનો આ ખુલાસો ચોંકાવનારો છે. જયા બચ્ચને આ વાત દોહિત્રી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ શોમાં જણાવી છે.

નવ્યા નવેલી નંદાએ થોડા દિવસ પહેલા જ પોતાનો પોડકાસ્ટ શો ‘વ્હોટ ધ હેલ નવ્યા’ શરૂ કર્યો હતો. જેમાં તેના નાની જયા બચ્ચન અને મમ્મી શ્વેતા બચ્ચન નંદા સાથે તે વાતો કરતી સાંભળવા મળે છે. નવ્યા અને દીકરી શ્વેતા સાથે વાત કરતાં જયા બચ્ચને પતિ અમિતાભ અંગે ખુલાસો કર્યો હતો.

જયા, શ્વેતા અને નવ્યા પોતપોતાના ફ્રેન્ડ સર્કલ વિશે વાત કરી રહ્યા હતા. આ વાતચીતમાં સામે આવ્યું કે જયા બચ્ચનની સાત બહેનપણીઓ છે અને તેઓ એકબીજાને છેલ્લા ચાર દાયકાથી ઓળખે છે. જયા બચ્ચન પોતાના આ ગ્રુપને ‘સાત સહેલી’ કહીને સંબોધે છે. નવ્યા અને શ્વેતા પણ જયાના ફ્રેન્ડ સર્કલને આ જ નામથી ઓળખે છે.

જયા બચ્ચનની બહેનપણીઓ જ્યારે ઘરે આવે છે ત્યારે દીકરો અભિષેક બચ્ચન અને દોહિત્ર અગસ્ત્ય ખૂબ ખુશ થાય છે પરંતુ અમિતાભ બચ્ચનને નથી ગમતું. જયા બચ્ચને કહ્યું કે, તેમની બહેનપણીઓ ઘરે આવે ત્યારે અમિતાભ ચીડાઈ જાય છે.

તેમણે નવ્યાને કહ્યું- ‘તારા નાના એકદમ ચીડાઈ જાય છે, એમને ગુસ્સો આવી જાય છે. તેઓ એમ કહીને ઊભા થઈ જાય છે કે, મારે ઉપર જવું છે. એક્ઝક્યુઝમી લેડીઝ, જાે તમને વાંધો ના હોય તો. હકીકતે તો તેઓ ત્યાં ના બેઠા હોય ત્યારે મારી બહેનપણીઓ પણ ખુશ થઈ જાય છે.’

નાનીની આ વાત સાંભળીને નવ્યા કહે છે, ‘બની શકે કે, નાનાની હાજરીમાં તમારી બહેનપણીઓ કોન્શિયસ થઈ જતી હોય.’ ત્યારે જયાએ કહ્યું- ‘તેઓ કોન્શિયસ નથી થતી. તેઓ અમિતાભને દાયકાઓથી ઓળખે છે. તેઓ હવે બદલાઈ ગયા છે. વૃદ્ધ પણ થઈ ગયા છે. તમે વૃદ્ધ (શારીરિક અને માનસિક રૂપે) થઈ શકો છો અને વૃદ્ધ થઈને પણ વૃદ્ધ નથી થતાં. હું વૃદ્ધ નથી. હું ૧૮ વર્ષની યુવા વ્યક્તિ સાથે પણ વાત કરી શકું છું.’

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને ૧૯૭૩માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નને ૪૯ વર્ષ પૂરા થયા છે. અમિતાભ અને જયાએ કેટલીય ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ૧૧ ઓક્ટોબરે બિગ બીનો ૮૦મો જન્મદિવસ છે. હાલ અમિતાભ ‘કૌન બનેગા કરોડપતિ ૧૪’ સહિત કેટલાય પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. છેલ્લે તેઓ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં દેખાયા હતા અને હવે ફિલ્મ ‘ગુડબાય’માં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.