બિસલેરીની કમાન કંપની ચેરમેનની પુત્રી જયંતિ ચૌહાણ સંભાળશે
નવી દિલ્હી, બિસલેરી કંપની કે જે ટાટા દ્વારા ટેકઓવર કરવામાં આવવાની હતી પરંતુ હવે તેમાં એક નવો વળાંક જાેવા મળી શકે છે. તાજેતરમાં રજૂ થયેલા અહેવાલો પરથી માહિતી મળતી હતી કે, બિસલેરી ઈન્ટરનેશનલના ચેરમેન રમેશ ચૌહાણની પુત્રી જયંતિ ચૌહાણ હવે બોટલ્ડ વોટર કંપનીની કમાન સંભાળશે. થોડા સમય પહેલા એવી વાત જાણવા મળી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બિસલેરી ખરીદવા માટે વાતચીત કરી રહી છે. પરંતુ તાજેતરમાં ટાટા ગ્રૂપે જણાવ્યું છે કે, હવે તેણે બિસલેરી સાથે વાતચીત બંધ કરી દીધી છે.
બિસલેરી ઈન્ટરનેશનલના ચેરમેન રમેશ ચૌહાણે કહ્યું, “જયંતિ હવે અમારી પ્રોફેશનલ ટીમ સાથે કંપની ચલાવશે અને અમે અમારો બિઝનેસ વેચવા માગતા નથી.” ૪૨ વર્ષીય જયંતિ ચૌહાણ હાલમાં બિસલેરી ઈન્ટરનેશનલના વાઇસ ચેરપર્સન છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોના જણાવ્યા અનુસાર, જયંતિ હવે એન્જેલો જ્યોર્જના નેતૃત્વમાં પ્રોફેશનલ મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરશે. ૮૨ વર્ષીય રમેશ ચૌહાણ અને ટાટા ગ્રુપ વચ્ચે કંપની વેચવા માટે વાતચીત ચાલી રહી હતી.
આ ડીલ રદ્દ કરવામાં આવી છે. ટાટા કન્ઝ્યુમરે બે વર્ષ પહેલાં ચૌહાણ પરિવાર સાથે વાટાઘાટો શરૂ કરી હતી પરંતુ ગયા અઠવાડિયે વાટાઘાટો રદ થયાની માહિતી મળી રહી છે. જયંતિ વર્ષોથી સમયાંતરે વ્યવસાય સાથે સંકળાયેલી છે. વેદિકા બ્રાન્ડ, બિસલેરી પોર્ટફોલિયોનો એક ભાગ છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી તેમનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે જ સમયે, ટાટા કન્ઝ્યુમરના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ ડિસોઝાએ તાજેતરના અર્નિંગ કૉલ્સમાં કહ્યું હતું કે, એક્વિઝિશન કંપનીની વૃદ્ધિ વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. SS2.PG