ઇર્ષ્યા એ અધોગતિના એંધાણ છે
ઈર્ષ્યા કરી કોઈ વસ્તુ મેળવવા કરતાં જો નસીબમાં હશે તો તેમાં સંતોષ મેળવવાથી માનવી માનસિક, શારીરિક, વ્યવહારિક તથા આર્થિક રીતે સધ્ધર રહેશે…
ઈર્ષ્યા એક બહુ જ અધમ વૃતિ છે જેથી માનવીઅંદર ને અંદરજ બળીને ખાખ થઇ જાય છે. ‘હું રહી ગયો અને એ ફાવી ગયો’ અને ‘મને ન મળ્યું પણ એને મળ્યું’ આવા સ્વભાવવાળી ઘણી વ્યક્તિઓ મનમાં ને મનમાં જ વિચારતા નાસીપાસ જીવનભર રહેતાં હોય છે.
પરંતુ દરેક માનવીએ સમજવું જોઈએ કે પોતાને ન મળ્યું તે પોતાના કર્મને આધીન હતું અને બીજાને મળ્યું તો તેનું નસીબ જોર કરતું હોય. હું હારી ગયો તો તેમા પોતાની કસર રહી ગઈ હોય જેથી પોતાને સફળતા ન પણ મળે અને બીજાને સફળતા મળતા તે ઈર્ષ્યા રૂપી વૃતિથી મનમાં ને મનમાં જ બળતો રહે છે.
કોઈને બીજાના સુખની તો કોઈને સત્તાની તો કોઈને બીજાની શ્રીમંતાઈની ઈર્ષ્યા થાય છે અને તેઓ બીજાના ઐશ્ર્વર્યથી ઈર્ષ્યા વૃતિથી ઝૂરતા રહે છે. પોતાને જે મળ્યું છે તેમાં જ દરેકે સંતોષ મેળવવો જોઈએ. અદેખાઈ કરવાથી વધારે દુઃખી થવાય છે તથા મનમાં અસંતોષ રહે છે અને આવતા ભવનું ભાથું પણ પામી શકતો નથી. અલબત્ત પુરૂષાર્થ કરવાની જરૂરિયાત તો રહેવાની જ અને પુરૂષાર્થ કરીને મેળવવામાં જ ખરી મઝા છે.
ભાઈ-ભાઈમાં, દેરાણી-જેઠાણીમાં, મિત્રોમાં, વિદ્યાર્થીઓમાં, ધંધામાં, નોકરીમાં, પડોશમાં, સાધુઓમાં, રાજકિય નેતા તથા કાર્યકર્તાઓમાં અદેખાઈ પ્રવેશતાં જ તેઓ એકબીજાને પછાડવાના તથા એકબીજાનાં ટાંટિયા ખેંચવાના પ્રયત્નો કરતા રહે છે અને પોતાની રહી સહી આબરૂનાં ધજાગરાં ઉડાવે છે.
જે હાથમાં છે એને ભૂલીને જે બીજા પાસે છે તે મેળવવા તત્પર રહેવાનું કારણ બીજું કાંઈ નહિ પરંતુ અદેખાઈ ને અદેખાઈ જ.
જીદ્ ખાતર આંસુ વહાવીને રડતા બાળક કરતા, ઈર્ષ્યા કરતા રોકકળ કરતા માણસોની મન સ્થિતિ વધું દયાજનક બની જાય છે. કેવી વિચિત્ર છે આપણી મનોવૃતિ? આપણાં કરતાં બીજાની નિંદા વધુ થતી હોય ત્યારે આપણે આપણી નિંદાને પચાવી જઈએ છીએ. ઈર્ષ્યાની આગમા શેકાતો માણસ હમેંશા પોતાની લીટી મોટી કરવાને બદલે બીજાની લીટી ભૂંસવાની કોશીષ કરતો રહે છે. આવા માણસો બીજાનું સુખ સહન ન થતાં પોતે દુઃખીને દુઃખી જ રહે છે જેમાં ઈર્ષ્યા જ મોટો ભાગ ભજવે છે.
આપણે માત્ર સુખી જ નથી થવું પરંતુ બીજા બધાં કરતાં પણ વધું સુખી થવું છે એ જ આપણા દુઃખનું મૂળ છે. ‘બીજાએ અઠ્ઠાઇ કરી તો હું કેમ ન કરી શકું’ એવા અમુક તપાસ્વીને છે કે હું પણ અઠ્ઠાઇ કરીને બતાવું એવી દેખા દેખીમાં અઠ્ઠાઇ કરે છે. આવી અદેખાઇ ન કરતાં પોતાની શક્તિથી જે તપ થઇ શકતું હોય તે વધારે પુણ્ય મેળવે છે ‘બીજાએ દેરાસરમાં આટલા પૈસા બોલીમાં લખાવ્યા તો હું કેમ રહી જાઉં પછી ભલે ને મારૂં જે થવાનું હશે તે થશે આજે તો વ્યાખાણમાં મારી બોલબાલા થવી જોઇએ.’ આવા વિચારમાં પોતે તો ખલાસ થાય છે પરંતુ પોતાના પરિવારને પોતે જ દુઃખની ગર્તામાં ધકેલી દે છે.
ઈર્ષ્યાથી લોકોમાં વાદ વિવાદ સર્જાય છે. આ વૃતિ જ્યારે એક જ પરિવારમાં ફેલાતા મનભેદ ઉભો થતાં ભાઇ ભાઈમાં, ભાઈ બેનમાં કે નણંદ ભોજાઇના સંબંધો કાચના વાસણની જેમ તૂટીને ચૂર ચૂર થાય છે તથા કોઇક વખત અબોલાથાય છે અને એક બીજાને નીચા પાડવા મંથે છે. મિઠાઇથી માંડીને સમ્પત્તિના ભાગલા પાડવામાં ઈર્ષ્યાળુ માનવીને સમસ્યા નડે છે.
તેણે આમ કર્યું, તેથી હું પણ આમ કરીને બતાવું અને હું પણ કરી શકું છું એ અદેખાઈ વૃતિ ખરેખર તે માણસનું અજ્ઞાન પ્રગટ કરે છે. આ વૃતિમાં જે પોતાની પાસે છે તે પણ ગુમાવી દે છે. આના પરથી સમજાય છે કે લોકોની પાસે છે છે તેમાં તેને સંતોષ નથી જેને કારણે ઈર્ષ્યા વૃતિની સાથે ‘હું પણું’ જન્મે છે.
પડોશી ટેલિવિઝન લાવ્યા, કે તેમણે ગાડી વસાવી કે તેમણે ધરમાં કલર કરાવ્યો તો હું કેમ બાકી રહી જાઉં તેથી હું તેનાથી વધારે સારૂં અને મોંઘુ વસાવું જેથી સમાજમાં મારો વટ પાડું એવી દેખા દેખીથી પોતે અંદરથી ખોખલો બનતો જાય છે, તેનું તેને ભાન રહેતું નથી.
‘કહે શ્રેણુ આજ’ ‘સ્પર્ધા કરનાર વીર બને છે,’
‘જ્યારે ઈર્ષ્યા કરનાર હમેંશ કાયર જ રહે છે.’
‘સ્પર્ધાએ પ્રગતિનાં સોપાન છે,
‘જ્યારે ઈર્ષ્યા એ અધોગતિના એંધાણ છે.
અ ઈર્ષ્યાવૃતિ, અભિમાન તથા અદેખાઈ સ્વાર્થવૃતિને પણ જન્મ આપે છે, જે વેરને પણ નોતરે છે. માનવી અદેખાઈ વૃતિ છોડશે તો એ છે ત્યાંથી નીચો તો નહિ જ પડે તથાનુકસાન પણ પોતે નહિ જ કરે, પરંતુ પોતાના સંજોગોને આધિન રહીને જ તે પોતાનો વિકાસ કરી શક્શે.
માનવીએ પોતાના બાળકોને આ અદેખાઈવૃતિથી દૂર રહેવા સમજાવવું જોઈએ જેથી તે મોટો થતાં સંસ્કારી અને સુશીલ બને તથા સુખી રહે. ઈર્ષ્યા ન કરતા બીજાનું જોઇને પણ સંતોષી રહેવામાં જ ખરી મઝા છે તથા બીજાને અનુમોદવામાં માનવી જીવનનો ખરો આનંદ માણી શકે છે.
ઈર્ષ્યા કરવાનું ભૂલીને દરેક માનવી જો સંતોષ માણે તો તે માનવી સદા સુખી જ રહેવાનો તથા ધરમાં લક્ષમીનો વાસ પણ રહેવાનો તથા ઈર્ષ્યાવૃતિ ભૂલી જતાં ઘરમાં કજિયા, કંકાસ કે કકળાટ ન થાય અને શાંતિમય જીવન પણ જીવી શકાય. ઈર્ષ્યા કરી કોઈ વસ્તુ મેળવવા કરતાં જો નસીબમાં હશે તો તેમાં સંતોષ મેળવવાથી માનવી માનસિક, શારીરિક, વ્યવહારિક તથા આર્થિક રીતે સધ્ધર રહેશે…