પ્રિયંકા ચોપરાને સ્ક્રિપ્ટ પસંદ ન પડતાં “જી લે જરા” અટકી પડી
મુંબઈ, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ તથા કેટરિના કૈફની ફિલ્મ ‘જી લે જરા’ આ ત્રણેય હિરોઈનોની તારીખોની સમસ્યાને કારણે અટકી પડી હોવાનું બહાનું અગાઉ સર્જક ફરહાન અખ્તરે ઉચ્ચાર્યું હતું. પરંતુ, હવે એવું બહાર આવ્યું છે કે વાસ્તવમાં પ્રિયંકાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ જ પસંદ ન પડી હોવાથી ફિલ્મ અટકી પડી છે.
પ્રિયંકા તેની કઝિન પરિણિતી ચોપરાના લગ્ન વખતે ભારત આવશે અને ત્યારે આ ફિલ્મ ઔપચારિક રીતે સાઈન કરશે તેવું આયોજન ગોઠવાયું હતું. પરંતુ, પ્રિયંકાએ ફિલ્મની સ્ક્રિપ્ટ નકારી કાઢી હતી. આથી, ફિલ્મ અટકી ગઈ છે તેવું ફિલ્મ સાથે સંકળાયેલા વર્તુળોનું કહેવું છે.
એક દાવા અનુસાર આ ફિલ્મ આશરે બે વર્ષથી પાઈપલાઈનમાં છે પરંતુ હવે જે રીતે તેનું ઓરિજનલ કાસ્ટિંગ છિન્નભિન્ન થઈ ચૂક્યું છે તે જાેતાં બહુ નજીકના ભવિષ્યમાં આ પ્રોજેક્ટ આગળ વધશે કે કેમ તે નક્કી નથી. ફરહાનની બહેન ઝોયા અખ્તર એવો દાવો કરી ચૂકી છે કે આ પ્રોજેક્ટ અભેરાઈ પર ચઢાવી દેવાયો નથી પરંતુ તે તેના સમયે આગળ વધશે. બીજી તરફ ફરહાન એવું કહીને હાર કબૂલી ચૂક્યો છે કે દરેક ફિલ્મ પોતાનું નસીબ લઈને આવતી હોય છે અને આ ફિલ્મ માટે કાંઈક જુદું જ નસીબ લખાયેલું છે.
ફરહાન અખ્તર હવે ‘ડોન થ્રી’નાં નિર્માણમાં વ્યસ્ત થઈ ગયો છે. આલિયા ભટ્ટ હવે સંજય લીલા ભણશાળીની ‘બૈજુ બાવરા’ની રીમેકમાં વ્યસ્ત થઈ ગઈ છે. આ જાેતાં ‘જી લે જરા’ ફિલ્મનું ભાવિ અનિશ્ચિત બની ચૂક્યું છે.SS1MS