અમદાવાદ ગ્રામ્યના બાળકોને મળશે JEE અને NEETનું ફ્રીમાં કોચિંગ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની બાળકોના ઉચ્ચ અભ્યાસને લઈને એક અનોખી પહેલ જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીને સારી કારકિર્દી બનાવી શકે, તે માટે ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી અને ટાટા મોટર કંપની સાથે મળી વિદ્યાર્થીઓને નીટ અને જેઈઈ માટે તૈયારી કરાવશે.
કંપનીના સહયોગથી અમદાવાદ ગ્રામ્ય ડીઈઓધોરણ ૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે જેઈઈ- નીટના ટ્યુશન ઉપલબ્ધ કરાવશે. એન્જિનિયરિંગ અને મેડિકલમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓના વાલીઓ લાખો રૂપિયાની ફી ભરીને બાળકોને જેઈઈ અને નીટ ની તૈયારી કરાવે છે. ત્યારે અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ નવી પહેલ કરી છે. જેમાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે જેઈઈ અને નીટનું કોચિંગ મળી રહેશે.
એક વિદ્યાર્થીએ જેઈઈ અને નીટની તૈયારી કરવી હોય તો વાલી તેમના બાળક માટે વાર્ષીક બે થી ચાર લાખ રૂપિયાની ફી ભરે છે. પરંતુ જે બાળક ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેવા વિદ્યાર્થીઓ ફી તો દૂરની વાત રહી, પરંતુ કોચિંગ પણ મેળવી શકતા નથી. અને આ જ કારણે અમદાવાદના ડીઈઓ દ્વારા અનોખી પહેલ કરવામા આવી છે.
મિશન સિદ્રત્વ અંતર્ગત વિદ્યાર્થીઓને વિનામુલ્યે જેઈઈ અને નીટનું કોચિંગ આપવામાં આવશે. અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ કૃપાબેન જ્હાએ જણાવ્યું કે, વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે હેતુથી નમો સરસ્વતી યોજના સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને ધોરણ ૧૧ થી જ જેઈઈ અને નીટની તૈયારીઓ કરી શકે, તે માટે પ્રયાસ કરવામા આવ્યો છે.