કિંમતમાં ‘સસ્તી’ છતાં દેખાવમાં ‘મોંઘી’ જ્વેલરી
આભૂષણો હંમેશા સ્ત્રીઓના આકર્ષણનું કેન્દ્ર માત્ર નહીં, પણ નબળાઈ પણ રહ્યું છે. વળી ઘરેણાં માનુનીની ખૂબસુરતીને ખાસ નિખાર આપે છે. દાગીના પહેરેલી યુવતી તરફ લોકોનું ધ્યાન તરત જ ખેંચાય છે, જયારે જ્વેલરી વિનાની સ્ત્રી થોડી ફીકી લાગે છે. દરેક માનુનીને ઘરેણાં પહેરીને સુંદર દેખાવાના કોડ હોય છે, પણ બધી યુવતીઓ દાગીના ખરીદવા માટે આર્થિક રીતે સક્ષમ નથી હોતી.
જાેકે આજે બજારમાં સોના, હીરા કે મોતીના દાગીના સિવાય અન્ય અનેક પ્રકારના જ્વેલરી ઉપલબ્ધ છે, જે મધ્યમ વર્ગની માનુની ઘરેણાં પહેરવાની ઈચ્છાને પણ સુપેરે સંતોષી શકે. આ ઉપરાંત જાે સ્ત્રીમાં આંતરિક સૂઝ હોય તો તે મર્યાદિત બજેટમાં પણ પોતાના આભૂષણોને ‘કિંમતી’ દર્શાવી શકે છે. જેમ કે હીરાના આભૂષણોની શોખીન મહિલા સાચા હીરાને બદલે કલરફૂલ ઈમિટેસન ડાયમંડના ઘરેણાં પહેરી શકે.
વળી ત્રણથી ચાર રંગના હીરાવાળા આભૂષણો જુદા જુદા રંગના ડ્રેસ કે સાડી સાથે પહેરી શકાય. જયારે માત્ર સાચા સોના-હીરાના દાગીના પહેરવાની આગ્રહી માનુનીને મર્યાદિત બજેટમાં ઘરેણાં બનાવવા હોય તો, દાગીનાને એવી રીતે ડિઝાઈન કરાવવા જાેઈએ કે ઓછા હીરામાં પણ તે કિંમતી લાગે. જેમ કે નેકલેસના પેન્ડન્ટના મધ્યમાં નાના નાના હીરા નજીકથી જડવામાં આવે તો હીરા તરત નજરે ચઢે છે તેવી જ રીતે ઓછા ડાયમંડ ધરાવતા આભૂષણમાં વિવિધ જાતની પોલીશ કરાવીને તેને ‘રીચ’ લુક આપી શકાય છે.
આજની તારીખમાં ચક્રી વર્કના ઘરેણાંની ફેશન પુરબહારમાં ખીલી છે. આ દાગીના સસ્તા પડે છે તેમ જ સ્ટાઈલીશ લુક આપે છે. તેવી જ રીતે અર્ધ કિંમતી નંગ જડેલા ઘરેણાં પણ ખૂબ સુંદર લાગે છે આમ છતાં મર્યાદિત બજેટમાં તૈયાર થઈ જાય છે મોતીની લાંબી માળામાં થોડા થોડા અંતરે હીરા લગાવવાથી હીરા તદ્દન જુદા તરી આવે છે અને માળાને પણ આકર્ષક અને અનોખો દેખાવ મળે છે.
મોતીની માળા સાથે હાથમાં પણ એક એક શેરની મોતીની બંગડી પહેરી શકાય. સામાન્ય રીતે આવી બંગડી સીધેસીધી પહેરવાને બદલે ચાવીથી ખોલીને પેહરવામાં આવે છે જેથી બંગડી પહેરતી અને ઉતારતી વખતે તેના દોરા ઘસાઈને તૂટી ન જાય. આવી બંગડીમાં માળાને મેચ થાય એવી રીતે ચાવી પાસે હીરાના નાના ફુલ મુકાવી શકાય. ફુલની વચ્ચે લાલ રંગનું નંગ જડવામાં આવે તો વધુ આકર્ષક લાગે છે. આવી બંગડી બંને હાથમાં બબ્બે પહેરવાથી ખૂબ સુંદર દેખાય છે. સામાન્ય રીતે આ પ્રકારની બંગડીને ચાર-નંગ કહેવામાં આવે છે. કલ્ચર મોતી નામે ઓળખાતા કલ્ચર મોતી નામે ઓળખાતા આવા મોતીની બંગડી કિંમતમાં પણ સૌંઘી પડે છે.