11 લાખના દાગીના લઈને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પરિવારના દાગીના ચોરાયા
પાલનપુર રેલવે સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી
પાલનપુર, સુરતથી નાંદેલ ગંગાનગર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પરિવારની બેગને ચીરો મારી કોઈ અજાણ્યો વ્યક્તિ સોનાના દાગીના અંદાજિત કિ. રૂ.૧૧ લાખની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ અંગે એક મહિના બાદ પાલનપુર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતથી નાંદેલ ગંગાનગર ટ્રેનમાં તા.ર૮ જાન્યુઆરી ર૦ર૪ના રોજ પરમેશ્વરલાલ ખેતારામ બ્રાહ્મણ તેમની પુત્રી અને તેની બહેનપણી સાથે સુરતથી રવાના થયા હતા. ટ્રેનમાં તેમની પુત્રી અને તેની બહેનપણી સુઈ ગયા હતા જયારે પ્રમેશ્વરલાલ જાગી રહ્યા હતા. તેમની પાસે ટ્રોલી બેગ સહિત અન્ય બેગ હતી જે સીટના નીચેના ભાગે મુકેલી હતી અને તેમની દીકરીના સોનાના ઘરેણાં જેમાં સોનાનો હાર, સોનાની રાખડી, ૮ સોનાના ચુડલા જેનું વજન અંદાજિત ૧૮ થી ર૦ તોલા બેગમાં મુકેલું હતું.
મહેસાણાથી ટ્રેન ઉપડયા બાદ તેમને પણ ઝોકું આવી જતાં તે સમયે તેમની બેગને ચીરો મારી સોનાના દાગીનાની કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરી કરી લઈ ગયો હતો. તેઓ ઉંઘમાંથી જાગ્યા બાદ જોતાં તેમની બેગમાંથી સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની તેમને જાણ થઈ હતી. પરંતુ તેમની દીકરી ગર્ભવતી હોવાથી તેનું માનસિક સંતુલન ન ખોરવાય તે હેતુસર આ બાબતની જાણ તેણીને કરી ન હતી.
જોકે ઘરે પહોંચ્યા બાદ તેમની દીકરીએ બેગ જોતાં બેગમાંથી સોનાના દાગીના ચોરી થયા હોવાનુ તેને જાણવા મળ્યું હતું જેથી તેના પિતાએ તેને કહ્યું હતું કે આ ઘટના પાલનપુર નજીક બની હતી પરંતુ મેં તને જાણી જોઈને આ વાત કરી ન હતી. ત્યારબાદ આ અંગેની ફરિયાદ હનુમાનગઢ જંકશન આપવામાં આવી હતી. તે પછી આ ફરિયાદ પાલનપુર રેલવે સ્ટેશન ખાતે નોંધાતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.