ઝઘડિયા તાલુકામાં સરકારી અનાજનો જથ્થો પગ કરી જતો હોવાની બુમ
રાત્રી દરમ્યાન કાળા બજાર કરતા વેપારીઓ જથ્થો અન્ય વેપારીઓને પહોંચાડતા હોવાની ચર્ચા
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં કેટલીક સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો માંથી અનાજનો જથ્થો સગેવગે થઈ જતો હોવાની વ્યાપક બુમો ઉઠવા પામી છે.ગરીબોના હકનો અનાજનો જથ્થો બારોબાર અન્ય વેપારીઓની દુકાનોમાં પહોંચી જતો હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યુ છે.
સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો ધરાવતા કેટલાક કાળા બજારીયા વેપારીઓ સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચીને ગરીબોના હક પર દેખીતી રીતે તરાપ મારવાની હીન પ્રવૃત્તિ કરી રહ્યા છે. તાલુકામાં કેટલાક કાળા બજાર કરતા આવા વેપારીઓ સરકારી દુકાનદારો પાસેથી સરકારી અનાજનો જથ્થો ખરીદી લઈને તાલુકાના બજારોમાં ફરતો કરી દેતા હોય છે.આ બે નંબરીયા પ્રવૃત્તિ મોટાભાગે રાત્રી દરમ્યાન કરવામાં આવતી હોય છે.
સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો વાળા કેટલાક સરકારી દુકાનદારો ખાનગી દુકાનદારો તથા જથ્થાબંધ વેપારીઓ સાથે સાઠગાંઠ ધરાવતા હોય છે અને સરકારી અનાજનો જથ્થો વેચતા હોય છે. દુકાનદાર વેપારીઓ આવો એકત્ર કરેલ જથ્થો અન્ય ખાનગી દુકાનદારોને વેચતા હોય છે.
તાલુકા માંથી સગેવગે થતો સરકારી અનાજનો જથ્થો રાજપારડી ઉમલ્લા ઝઘડિયા તેમજ નેત્રંગના બજારોમાં પહોંચી જતો હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છેકે સરકારી દુકાનો ધરાવતા કેટલાક દુકાનદારો કેટલાક ગ્રાહકોને તેમને મળવાપાત્ર જથ્થા કરતા એકાદ બે કિલોગ્રામ જેટલો ઓછો આપતા હોવાની વાતો ચર્ચામાં આવી છે.
લાંબા સમયથી ગરીબ જનતાના હકને અન્યાય કરતી આ ગેરકાનૂની પ્રવૃત્તિ બેરોકટોક ચાલતી હોવા છતાં તાલુકાનો પુરવઠા વિભાગ આ બાબતે અજાણ છે કે કેમ? કે પછી પુરવઠા તંત્રની રહેમ નજર હેઠળ આ બધુ ચાલી રહ્યુ છે? આ બાબતે તાલુકાની જનતામાં સવાલો ઉઠવા પામ્યા છે.
જીલ્લા સ્તરેથી જાે પુરવઠા વિભાગ સરકાર માન્ય દુકાનોના રજીસ્ટરો તેમજ ગ્રાહકોના રેશનકાર્ડોની તલ સ્પર્શી તટસ્થ તપાસ કરે તો ઘણી ગેરરીતિઓ બહાર આવવા સંભવ છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં રાત્રી દરમિયાન સગેવગે થયા ની માહિતી હોય તો મોટા તોડપાણી થઈ જતા હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે.