ઝઘડિયા GIDCમાં આવેલ કંપનીમાંથી શંકાસ્પદ ચોરીના બાઈક સાથે ઈસમ ઝડપાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક કંપનીમાથી એક ઈસમને શંકાસ્પદ ચોરીના બાઈક સાથે ઝડપી લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ
તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ ગતરોજ પીએસઆઈ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વેલીયન્ટ ઓર્ગેનિક કંપનીમાં એક ઈસમ શંકાસ્પદ મોટર સાયકલ લઈને હાજર છે.
એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા બાતમી મુજબનો ઈસમ નંબર પ્લેટ વગરની મોટર સાયકલ સાથે મળી આવતા તેની પાસે મોટર સાયકલના બીલ પુરાવા માંગતા તે મળી શકેલ નહિ અને સદર ઈસમ કોઈ સંતોષજનક જવાબ આપી શકેલ નહિ.જેથી મોટર સાયકલના માલિકનો સંપર્ક કરતાં જણાયું હતું કે
આશરે બે મહિના પહેલા આ મોટર સાયકલ સુરત ખાતેથી ચોરાયેલ હતી.એલસીબી પોલીસે આ મોટર સાયકલ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ ની કબજે લઈને સદર ઈસમ ચેતનભાઈ ઉર્ફે લાલુ શરદભાઈ પાટીલ હાલ રહે. માલજીપુરા તા.ઝઘડિયા જી.ભરૂચ અને મુળ રહે. બાલાજી ટાઉનશીપ ડીંડોલી સુરતનાને ઝડપી લઈને આગળની તપાસ માટે ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો.