ઝઘડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો બાબતે સરપંચો આગળ આવ્યા
રાજ્ય વ્યાપી હડતાલનો સત્વરે નિરાકરણ આવે તેવી રજૂઆત કરી
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના તમામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ ગત તા.૨.૮.૨૨ ના રોજ થી ઝઘડિયા તાલુકા પંચાયત ખાતે હડતાલ પર ઉતરી ધરણા પર બેઠા છે.
ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના જણાવ્યા મુજબ છેલ્લા કેટલા વર્ષથી તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારમાં રજૂઆતો કરી છે, પડતર પ્રશ્નોનું સુખદ નિવારણ આવે તે બાબતે બેઠકો પણ કરી છે, પરંતુ તલાટી મહામંડળ ને સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ ખોટા પડ્યા છે.
જેના પગલે ઝઘડિયા તાલુકાના ધરણા પર બેઠેલા તલાટી કમ મંત્રીઓની વ્હારે ઝઘડિયા તાલુકાના સરપંચો આવ્યા છે.તાલુકાના સરપંચો વતી પ્રાંત અધિકારી, ઝઘડિયા મામલતદાર, ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા ને આવેદનપત્ર પાઠવી
પંચાયતના તલાટી કમ મંત્રી સંવર્ગના પડતર પ્રશ્નો અંગેની તાત્કાલિક નિરાકરણ લાવવા લેખિતમાં રજૂઆત કરી છે, તેઓએ તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ તલાટી કમ મંત્રીની રાજ્યવ્યાપી હડતાલ ચાલુ હોય ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ તા.૨.૮.૨૨ થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલ છે
જેને એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયેલ છે.પરંતુ હડતાલનો યોગ્ય ઉકેલ કે સમાધાન બાબતે આજે દિન સુધી કોઈ ર્નિણય લેવાયેલ નથી. તલાટી કમ મંત્રી ગ્રામ્ય લેવલે પાયાના કર્મચારી હોય હડતાલ થી ગ્રામજનોને ઘણા બધા કામો માટે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે
અન્ય ઘણી સરકારી યોજનાઓ તથા વિકાસના કામોમાં તલાટી કમ મંત્રીની અગત્યની ભૂમિકા હોય હડતાલના કારણે સરકારી યોજના તથા વિકાસના કામો પણ હાલ ખોરંભે પડેલ છે.અરજદારો તથા લાભાર્થીઓની પડતી મુશ્કેલી બાબતે સરપંચો ને રજૂઆત મળતી હોય છે અરજદારો અને તલાટી કમ મંત્રીઓ બંનેની રજૂઆતો તથા મુશ્કેલીઓને ધ્યાન રાખીને સરકાર દ્વારા સત્વરે કોઈ યોગ્ય અને ચોક્કસ ર્નિણય લેવાય અને આ રાજ્ય વ્યાપી હડતાલનો સત્વરે નિરાકરણ આવે તેવી રજૂઆત કરી છે.