Western Times News

Gujarati News

જેમની ગઝલ વાંચી વારંવાર મમળાવવાનું મન થઇ આવે તેવા ઝલક પટેલ

સપનામાં મને યાદ કરજો….
સકારણ હંમેશા મને યાદ કરજો,
અકારણ અમસ્તાં મને યાદ કરજો.
નથી ભાગ રાખ્યો તમારી મજામાં,
પરંતુ સજામાં મને યાદ કરજો.
તમે જીવતેજીવ હાંફી ગયા છો,
કદી શ્વાસ લેવાં મને યાદ કરજો.
ભલે વિસરો આપ ઠંડી ઋતુમાં,
પછી તાપ પડતાં મને યાદ કરજો.
જરૂર હો મદદની ને કહી ના શકો તો,
તમારા સપનમાં મને યાદ કરજો.
સિતારા ‘ઝલક’તા જનમકુંડળીમાં
પડે સહેજ ઝાંખા મને યાદ કરજો.
-ઝલક પટેલ

ઝલક દિનેશભાઈ પટેલ જેમની ગઝલ વાંચી વારંવાર મમળાવવાનું મન થઇ આવે છે. તેમનું વતન મહીસાગર છે. ૨૭/૧૧/૧૯૯૦ ના રોજ લુણાવાડામાં થયો હતો. તેમના પિતા – દિનેશભાઈ, માતા ભાનુપ્રિયા અને પતિ રિધમ તેમના આદર્શ છે. સ્કૂલમાં અભ્યાસ દરમિયાન કાવ્યલેખન અને કાવ્યપઠન સ્પર્ધામાં તેઓ ભાગ લેતા અને વિજેતા પણ થતા.

૨૦૨૨ માં યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવમાં આવી જ રીતે હાલરડું અને દેશભક્તિ સ્પર્ધામાં તેમણે ભાગ લીધો અને રાજ્ય કક્ષાએ વિજેતા થઈ રોકડ ૭૫,૦૦૦ ઈમાન મેળવ્યું હતું.. તેમને ગુજરાતી સાહિત્યની વાર્તાઓ અને કવિતાઓ તેમજ ગઝલો વાંચવી ગમે છે.

રમેશ પારેખ તેમના પ્રિય કવિ છે. એમના ગીતો તેમને ખૂબ જ ગમે છે ટૂંક સમયમાં તેમનો ગઝલસંગ્રહ અને હાઈકુસંગ્રહ પ્રકાશિત થશે. સપ્તક, ગોધરા દ્વારા મહિલા દિવસ નિમિત્તે સન્માનિત થયા. મહી પાનમ સમાજ, વડોદરા દ્વારા પણ તેઓ સન્માનિત થયા છે.

“સકારણ હંમેશા મને યાદ કરજો,
અકારણ અમસ્તાં મને યાદ કરજો.”
જ્યારે મન મળી જાય છે ત્યારે આપણે એની યાદોમાં જ ખોવાયેલા રહીએ છીએ. આપણને એમ પણ થાય કે આપણે જેની યાદોમાં ગળાડુબ છીએ એ પણ આપણને યાદ કરે. સકારણ હંમેશા મને યાદ કરજો અને અકારણ અમસ્તા યાદ કરજો એ કહેવાનો હક આપણે કોઇ ખાસને જ આપીએ છીએ.

“નથી ભાગ રાખ્યો તમારી મજામાં,
પરંતુ સજામાં મને યાદ કરજો.”

તમારી મજામાં તમે મને યાદ ન કરો તો ચાલશે પણ જ્યારે તકલીફમાં હોવ ત્યારે મને યાદ કરજો. સુખમાં સૌ યાદ કરે પણ જે દુખમાં યાદ કરે એ આપણુ હિત જ ઇચ્છે છે. જે તકલીફમાં સાથ આપવા તૈયાર થાય એ જીવનભર સાથ આપે છે.

“તમે જીવતેજીવ હાંફી ગયા છો,
કદી શ્વાસ લેવાં મને યાદ કરજો.”
જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે સમય અને સંજોગો થકવાડી જાય છે. જીવનમાં જ્યારે એવે સમય આવે ત્યારે કોઇ પોતીકા જ યાદ આવે. કોઇ એવી વ્યક્તિ જ યાદ આવે જે હ્રદયની નજીક છે. હ્રદયની નજીક હોય એ જ જીવનભરનો સાથી હોય અને એ જ સુખમાં અને દુખમાં યાદ આવે.

“ભલે વિસરો આપ ઠંડી ઋતુમાં,
પછી તાપ પડતાં મને યાદ કરજો.”
સુખમાં ચાહે ભુલી જાવ પણ પીડાના સમયે યાદ કરજો. આવુ જ્યારે કોઇ કહે ત્યારે તકલીફ મન પરથી સાવ ઉતરી જાય છે. મન પરથી તકલીફ દૂર થાય છે અને તકલીફો સામે લડવા મનથી તૈયાર થઇ જઇએ છીએ.

“જરૂર હો મદદની ને કહી ના શકો તો,
તમારા સપનમાં મને યાદ કરજો.”
મદદની જરુર હોય અને ના કહી શકતા હોવ ત્યારે સપનામાં આવીને કહી જજો. મારા સપનામાં જણાવેલી તકલીફ હું વાસ્તવિકતામાં દૂર કરી દઇશ. જે આપણુ સન્માન કરતુ હોય અને આપણને મનથી ચાહતુ હોય એ આપણને ક્યારેય એકલુ ન પડવા દે. સાથે રહીને જે મનનો અવાજ સાંભળે અને વગર બોલ્યો તમારી તકલીફ દૂર કરી દે

એ જ સાચો પ્રેમ છે.
“સિતારા ‘ઝલક’તા જનમકુંડળીમાં
પડે સહેજ ઝાંખા મને યાદ કરજો.”
જ્યારે તમારા સિતારા ઝળકી રહ્યા હોય ત્યારે ખુશીથી તમારુ જીવન જીવી લેજો. જ્યારે તમારા સિતારા સહેજ ઝાંખા પડે ત્યારે મને યાદ કરજો તમારો સાથ આપીને એ સિતારા વધારે ચમકદાર બનાવી દઇશું.

અંતની અટકળ –સાચો પ્રેમ એ છે જે સુખમાં સાથ આપે અને દુખમાં વધુ સાથ આપીને તમારી હિંમત વધારે…

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.