Western Times News

Gujarati News

ઝારખંડના રાજ્ય કર્મચારીઓને વાર્ષિક ૫ લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો આપવામાં આવશે

ઝારખંડમાં ગંભીર બીમારીઓના કિસ્સાઓમાં ૧૦ લાખ રૂપિયા સુધીનું હેલ્થ કવરેજ મળશે

રાંચી,  ઝારખંડના રાજ્ય કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે, તેઓને ટૂંક સમયમાં જ આરોગ્ય વીમા યોજનાનો લાભ મળશે અને આ અંતર્ગત કર્મચારીઓને વાર્ષિક ૫ લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો આપવામાં આવશે, જ્યારે ગંભીર બીમારીઓના કિસ્સાઓમાં ૧૦ લાખ રૂપિયા સુધીનું હેલ્થ કવરેજ મળશે.

મુખ્યમંત્રી હેમંત સોરેને આ યોજના લાગુ કરવાના પ્રસ્તાવ પર મંજૂરીની મહોર મારી દીધી છે.

રાજ્ય કર્મચારી આરોગ્ય વીમા યોજનાના પ્રસ્તાવ પર ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી લેવામાં આવશે અને ત્યારબાદ તેને લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આરોગ્ય, તબીબી શિક્ષણ અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૩૧ જુલાઈ ૨૦૨૩ના રોજ જાહેર કરાયેલા ઠરાવ નંબર ૧૮૫ (૧૩) હેઠળ કાર્યરત, નિવૃત કર્મચારીઓ, અધિકારીઓને આરોગ્ય વીમા યોજનાનો લાભ આપવાનો પ્રસ્તાવ છે. ત્યારથી અટકી પડેલા આ પ્રસ્તાવને હવે સોરેન સરકારે મંજૂરી આપી દીધી છે અને તેનો લાભા ટૂંક સમયમાં જ રાજ્યના કર્મચારીઓને મળવા લાગશે.

આ આરોગ્ય યોજના (સ્વાસ્થ્ય યોજના)નો લાભ ઝારખંડ રાજ્ય વિધાનસભાના વર્તમાન સભ્યો, રાજ્યના તમામ વિભાગઓમાં કાર્યરત કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને મળશે, જેમાં તેમના પતિ અથવા પત્ની, પુત્ર, કાયદેસર દત્તક લીધેલ પુત્ર, પુત્રી (અપરિણીત, વિધવા) સગીર ભાઈ અને અપરિણીત બહેનની સાતે જ માતા-પિતાનો સમાવેશ થાય છે.

આ તમામને સંયુક્ત રીતે ૫ લાખ રૂપિયા પ્રતિ વર્ષની મર્યાદા હેઠળ આરોગ્ય વીમો (હેલ્થ ઈન્શ્યોરન્સ) આપવામાં આવશે. રાજ્ય કર્મચારી આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓ અને તેમના આશ્રિતોને એક પરિવાર એકમ તરીકે ધ્યાનમાં લઈને દર વર્ષે ૫ લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો આપવામાં આવશે. ગંભીર બીમારીઓના કિસ્સામાં વધારાના ૫ લાખનો વીમો આપવામાં આવશે. એટલે કે કુલ ૧૦ લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.