Western Times News

Gujarati News

રશિયા સાથે જિનપિંગની નજદીકિયાં વિજય દિવસ પરેડમાં હાજરી આપશે

બેઇજિંગ, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ મોસ્કોમાં વિજય દિવસ પરેડમાં હાજરી આપવા માટે ૭થી ૧૦ મે દરમિયાન રશિયાની મુલાકાત લેશે. તેઓ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ અંગે વ્યૂહાત્મક વાતચીત પણ કરશે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યાં પછી જિનપિંગની મોસ્કોની આ પ્રથમ મુલાકાત હશે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હાલની નવી વૈશ્વિક સ્થિતિ તથા શ્રેણીબદ્ધ આંતરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દા હેઠળ પ્રેસિડન્ટ જિનપિંગ રશિયાના પ્રેસિડન્ટ સાથે વ્યૂહાત્મક વાતચીત કરશે. યુક્રેન યુદ્ધનો અંત લાવવા પુતિન પર ટ્રમ્પના દબાણ તથા ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વચ્ચે ચીની પ્રમુખ રશિયાની મુલાકાત લઈ રહ્યાં છે.

મોસ્કોમાં ક્રેમલિનએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ પુતિનના વ્યક્તિગત આમંત્રણ પર ૭-૧૦ મે દરમિયાન જિનપિંગની સત્તાવાર મુલાકાત દરમિયાન બંને નેતાઓ અનેક દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કરશે. બંને નેતાઓ વચ્ચેની બેઠક દરમિયાન સર્વગાહી ભાગીદારી તથા હાલના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દા પર ચર્ચાવિચારણા કરાશે.

બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર રશિયાના વિજયની ૮૦મી વર્ષગાંઠ નિમિત્તે વિજય દિવસની ઉજવણી દરમિયાન બ્રાઝિલ, વેનેઝુએલા અને વિયેતનામ સહિત ૨૦ દેશોના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.

ચીને મોસ્કોમાં વિજય દિવસ પરેડમાં ભાગ લેવા માટે પીપલ્સ લિબરેશન આર્મીની એક ટુકડી પણ મોકલી છે.ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને કારણે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ રશિયામાં વિક્ટરી ડે પરેડમાં હાજરી ન આપે તેવી શક્યતા છે.

રાજનાથ સિંહની જગ્યાએ રાજ્યકક્ષાના સંરક્ષણ પ્રધાન સંજય શેઠ ભારતનું પ્રતિનિધિત્વ કરે તેવી શક્યતા છે. રશિયાએ વિજય દિવસ પરેડ માટે મૂળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું, પરંતુ મોદીની જગ્યાએ રાજનાથને મોકલવાનું નિર્ણય લેવાયો હતો. જોકે હવે રાજનાથની જગ્યાએ સંજય સેઠ આ કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે તેવી શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.