Western Times News

Gujarati News

ઉપરવાળો તમને માફ કરે, એ માટે તમે નીચે વાળાને માફ કરતા જાઓ- જૈન સંત શ્રી જિનપ્રેમવિજયજી

શ્રી જિનપ્રેમવિજયજી મહારાજનો યુવા જીવન પરિવર્તન શિબિરમાં સંબોધન

શ્રી ઉમરા જૈન સંઘ – સુરત ખાતે પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કૃતિ પ્રેમી જૈન સંત શ્રી જિનપ્રેમવિજયજી મહારાજ સાહેબે યુવા જીવન પરિવર્તન શિબિરમાં હૃદયસ્પર્શી અને જીવન ઉપયોગી પ્રવચન આપ્યું. આ પ્રસંગે જિનપ્રેમવિજયજીએ ચાલો પૂરીએ લાઈફ પોટ્રેટમાં સોહામણા રંગોના વિષય ઉપર વિશાળ યુવા જનમેદનીને સંબોધિત કરતા કહ્યું કે, ઉપરવાળો તમને માફ કરે, એ માટે તમે નીચે વાળાને માફ કરતા જાઓ.આજના યુગમાં, જીવનમાં રંગોનો મહત્વનો ભાગ છે. દરેક રંગનો એક વિશેષ અર્થ છે.  જે આપણા જીવનના વિવિધ પાસાંઓને પ્રતિબિંબિત કરે છે.

(1) બ્લ્યુ : આકાશ અને સાગર આ બંને સૌથી વિરાટ હોય છે અને Blue હોય છે.

Blue રંગ વિશાળતા અને ઊંડાણનો પ્રતીક હોય છે. બ્લ્યુ રંગ પુરવા માટે ક્ષુદ્રતા છોડો, દોષ દ્રષ્ટિ છોડો, બીજા પર તૂટી પડવાને બદલે બીજાને વાત્સલ્યથી નવડાવી દેવાનું ચાલુ કરો. સુખી થવા  માટે વધુ સંપત્તિ કે વધુ સાધન સામગ્રીની નહીં, વિશાળ હૃદયની જરૂર હોય છે.

(2) યલ્લો : હાથ પીળો કરવાનો સીધો ઇંગ્લીશ અનુવાદ કરાય તો કદાચ આખું ઇંગ્લેન્ડ – અમેરિકા માથું ખંજવાળશે, પણ આપણને ખબર છે કે જ્યારે હાથ પીળા થાય છે, ત્યારે વિશ્વાસ અને વફાદારીનો એક સંબંધ રચાઈ જાય છે. યુરોપ અને અમેરિકામાં આજે સ્નેહની ભૂખ સંતોષવા માટે પરિવારમાં ફક્ત કૂતરો જ બચ્યો છે. વિશ્વાસ અને વફાદારી જેના જેનાથી તૂટી શકે, તે બધું જ  તોડી નાખો. તમારું પારિવારિક સુખ સલામત થઈ જશે.

(3) લાલ : લાલ રંગ એ સાવચેતીનો સંકેત છે. જેનાથી તમારું કેરેક્ટર જોખમમાં આવે, જેનાથી તમારા પાયાના સંસ્કારો તૂટે એને દૂરથી જ છોડી દો. સાપને છોડો, સાપના રાફડાને છોડો, સાપના રાફડાના રસ્તાને છોડો નહી તો ડંખ ખાવા માટે તૈયાર રહો.

આ પ્રસંગે યુવાનોને જીવનમાં આ રંગોનો નીખર લાવવા માટે પ્રેરણા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.