ગૂગલ રૂ. 33,737 કરોડના રોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સમાં 7.73 ટકા હિસ્સો ખરીદશે
ભારતની ડિજીટાઇઝેશની યાત્રાને ઝડપી બનાવવા જિયો અને ગૂગલ સાથે મળીને એન્ટ્રી લેવલનો એફોર્ડેબલ સ્માર્ટફોન વિકસાવશે -જિયો પ્લેટફોર્મ્સે ત્રણ મહિનામાં રૂ. 1.5 લાખ કરોડથી વધુનું રોકાણ મેળવ્યું
મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ), જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો પ્લેટફોર્મ્સ) અને ગૂગલ એલ.એલ.સી. (ગૂગલ) એ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડના રોકાણ માટે બંધનકર્તા કરાર કરવાની જાહેરાત કરી હતી. ગૂગલ દ્વારા કરવામાં આવેલા આ રોકાણમાં જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.36 લાખ કરોડ આંકવામાં આવ્યું છે. ગૂગલનું આ રોકાણ જિયો પ્લેટફોર્મ્સમાં ફૂલ્લી ડાઇલ્યૂટેડ આધાર પર 7.73 ટકા હિસ્સામાં તબદિલ થશે. આ સાથે, જિયો પ્લેટફોર્મ્સમાં નાણાંકીય અને વ્યૂહાત્મક રોકાણકારોનું કુલ રોકાણ રૂ. 1,52,056 કરોડ થયું છે.
આ રોકાણ હાલનાં 500 મિલિયન કરતાં વધારે ઇન્ટરનેટ વપરાશકારોથી આગળ વધીને સમગ્ર ભારતમાં ડિજીટાઇઝેશનના લાભોને પહોંચાડવાના જિયો અને ગૂગલના વર્તમાન પ્રયાસોને વધારે વેગવાન બનાવશે. જિયો પ્લેટફોર્મ્સ અને ગૂગલે એન્ડ્રોઇડ ઓપરેટીંગ સિસ્ટમ અને પ્લે સ્ટોરના ઉપયોગથી એન્ટ્રી લેવલના એફોર્ડેબલ સ્માર્ટફોનના વિકાસ માટે પણ વ્યાપારી કરાર કર્યા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનજિંગ ડાયરેક્ટર શ્રી મૂકેશ અંબાણીએ જણાવ્યુ હતું કે, “ગૂગલે લાખો ભારતીયોને ઉપયોગી માહિતી મેળવવામાં મદદ કરી છે અને “જિયો”ની જેમ જ પરિવર્તન અને ઇન્નોવેશનનું પ્રેરક બળ છે. અમે ગૂગલને આવકારીએ છીએ અને ખૂબ જ ઉત્સાહિત છીએ કે અમારી ભાગીદારી ભારતીયોને ઇન્ટરનેટના ઉપયોગને સર્વસામાન્ય બનાવવાથી માંડીને નવી ડિજીટલ અર્થવ્યવસ્થા અને ભારતની આર્થિક વૃધ્ધિને પ્રમુખ પ્રસ્તાવક પૂરો પાડવા સહિત શું-શું પૂરું પાડી શકે છે. સાથે મળીને અમે નવા ડિજીટલ ભારતના નિર્માણની પરિવર્તકન યાત્રામાં સુદૃઢ સુલભકર્તાની ભૂમિકા ભજવીશું.”
ગૂગલ અને આલ્ફાબેટના સી.ઇ.ઓ. શ્રી સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ખાસ કરીને જિયો પ્લેટફોર્મ્સ, ભારતના ડિજીટલ પરિવર્તન માટે ખૂબ મોટા શ્રેયની અધિકારી છે. ભારતના ડિજીટલ પરિવર્તનની ઝડપ અને કદ અમારા માટે ખૂબ જ પ્રેરણાત્મક છે અને અમારા દ્રષ્ટિકોણને સુદૃઢ બનાવે છે કે પ્રથમ ભારત માટે ઉત્પાદનોનું નિર્માણ કરવાથી અમને અન્ય જગ્યાઓના વપરાશકારો માટે વધારે સારા ઉત્પાદનો બનાવવામાં મદદ કરે છે. જિયોમાં રૂ. 33,737 કરોડનું રોકાણ કરવાનો ગૂગલને ગર્વ છે. હું ખૂબ જ ઉત્સાહિત છું કે અમારી ભાગીદારી તમામ લોકો માટે મોબાઇલના અનુભવને વધારે સારો બનાવવાની સાથે-સાથે સ્માર્ટફો નહીં ધરાવતા કરોડો ભારતીયોને સ્માર્ટફોનની પહોંચ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.”
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ નવી પેઢીનું અદ્યતન ટેક્નોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબર્સને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ્ડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ તથા મિક્સ્ડ રિયાલિટી, અને બ્લોકચેઇન દ્વારા તેની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન 1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા આદાન-પ્રદાન તથા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વિકાસ-વૃદ્ધિનો લાભ મેળવી શકે.
આ નાણાકીય વ્યવહાર નિયમનકારી અને અન્ય કાયદેસર મંજૂરીઓને આધિન છે. આ સમજૂતીમાં રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના નાણાકીય સલાહકાર મોર્ગન સ્ટેન્લી અને AZB એન્ડ પાર્ટનર્સ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ કાયદાકીય સલાહકાર હતા. ફ્રેશફિલ્ડ્સ બ્રકચાઉસ ડેરિન્જર યુ.એ. એલ.એલ.પી અને જે. સાગર એસોસિયેટ્સ દ્વારા ગૂગલના સલાહકારની ભૂમિકા અદા કરવામાં આવી હતી.