JNU વિદ્યાર્થીઓની કુચ બાદ ચક્કાજામની પરિસ્થિતિ
નવીદિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના (JNU Jawaharlal Nehru University) વિદ્યાર્થીઓના સંસદ માર્ચના લીધે પાટનગર દિલ્હીના અનેક વિસ્તારોમાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને પોલીસની માર્ગો ઉપર ભારે હાજરીના પરિણામ સ્વરુપે વાહન વ્યવહાર ખોરવાઈ ચુક્યો છે. જેએનયુ વિદ્યાર્થીઓની માર્ચને રોકવામાં આવ્યા બાદ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ચાર મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરવામાં આવ્યા હતા. એટલે કે ટ્રેનોને રોકવામાં આવી ન હતી.
દિલ્હી પોલીસની સલાહ પર દિલ્હી મેટ્રોને લોકકલ્યાણ માર્ગ સ્ટેશનને બંધ કરવાની સૂચના આપી હતી. હકીકતમાં આ રોડ ઉપર વડાપ્રધાનનું આવાસ રહેલું છે. જેએનયુમાં ફી વધારાના વિરોધમાં વિદ્યાર્થીઓને સંસદ માર્ગની તરફ આગેકૂચને લઇને મેટ્રોની યલો લાઈનોના ઉદ્યોગ ભવન, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય સ્ટેશનોને પણ સાવચેતીના પગલારુપે બંધ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય સચિવાલય પર ઇન્ટરચેંજ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પટેલ ચોક અને ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશન પર મેટ્રોને રોકવામાં આવી હતી. દક્ષિણ દિલ્હીમાં અરવિંદો માર્ગ અને રિંગ રોડ પર ચક્કાજામની સ્થિતિ રહી હતી. એમ્સ અને સફદરજંગ હોસ્પિટલની ચારેબાજુ ચક્કાજામની સ્થિતિ રહી હતી.
આજે વિદ્યાર્થીઓએ માર્ચ યોજી હતી. વિદ્યાર્થીઓને સંસદ સુધી ન પહોંચવને લઇને પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. સંસદ અને જેએનયુની પાસે કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. વિવાદને ખતમ કરવા માટે માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા એક કમિટિની રચના કરવામાં આવી ચુકી છે. વિદ્યાર્થીઓ જુદા જુદા મુદ્દાઓને લઇને દેખાવો કરી રહ્યા છે. પોલીસ સાથે ઝપાઝપી થઇ હોવાના અહેવાલ પણ મળ્યા છે. ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓ નારાબાજી કરી હતી.