જો બાઈડન ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં વિદાય ભાષણ દરમિયાન ભાવુક કેમ થયા?
(એજન્સી) શિકાગો, અમેરિકી પ્રમુખ જો બાઈડને મંગળવારે ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં વિદાય ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. બાઈડને તેમના પુત્રી એશ્લેને ગળે લગાવ્યા પછી તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં પ્રમુખ જો બાઈડને ઉપપ્રમુખ કમલા હેરિસને મશાલ સોંપી.
આ સાથે કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખ પદના ઔપચારિક ઉમેદવાર બની ગયા. શિકાગો સંમેલનના પહેલા દિવસે પ્રમુખ જો બાઈડન, ફર્સ્ટ લેડી જિલ બાઈડન અને ભૂતપૂર્વ સેક્રેટરી આૅફ સ્ટેટ હિલેરી ક્લિન્ટને પણ ભાષણ આપ્યું હતું. જ્યારે બાઈડન સ્ટેજ પર પહોંચ્યા ત્યારે લોકો ‘થેન્ક યુ જો’ કહીને બૂમો પાડી રહ્યા હતા. આ દરમિયાન બાઈડને તેમની પુત્રીને ગળે લગાવી હતી. આ દરમિયાન તે પોતાના આંસુ રોકી શક્યા ન હતા.
ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં લોકોએ હાથમાં બેનર પકડ્યા હતા જેના પર લખેલું હતું કે, ‘અમે બાઈડનને દિલથી પ્રેમ કરીએ છીએ.’ આ દરમિયાન બાઈડને એમ પણ કહ્યું કે, ‘હું તમને પ્રેમ કરું છું. શું તમે આઝાદી માટે મત આપવા તૈયાર છો? શું તમે લોકશાહી અને અમેરિકા માટે મત આપવા તૈયાર છો? ચાલો હું તમને પૂછું, શું તમે કમલા હેરિસ અને ટિમ વોલ્ઝને પસંદ કરવા તૈયાર છો?
રાષ્ટ્રપતિ બાઈડને તેમના વિદાય ભાષણમાં તેમના કાર્યકાળની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમણે કમલા હેરિસ સાથે કામ કર્યું. તેમણે કોરોના યુગ દરમિયાન અમેરિકાને વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બનાવવાની વાત કરી હતી. બાઈડને ટ્રમ્પ પર પણ જોરદાર નિશાન સાધ્યું.
તેમણે કહ્યું કે, “અમેરિકામાં રાજકીય હિંસા માટે કોઈ સ્થાન નથી. ટ્રમ્પ જ્યારે અમેરિકા વિશે વાત કરે છે ત્યારે લાગે છે કે અમેરિકા એક વિઘટનશીલ દેશ છે. તેઓ વિશ્વમાં અમેરિકાની છબી ખરાબ કરે છે.”
બાઈડને પોતાના સંબોધનમાં કમલા હેરિસને સમર્થનનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘હું જ્યારે પાર્ટીનો ઉમેદવાર બન્યો ત્યારે કમલા હેરિસને પસંદ કરવાનો મારો પહેલો નિર્ણય હતો અને તે મારી સમગ્ર કારકિર્દીનો શ્રેષ્ઠ નિર્ણય છે. તે કઠિન, અનુભવી અને ઘણી પ્રામાણિકતા ધરાવે છે. આ દરમિયાન બાઈડને એમ પણ કહ્યું કે, કમલા હેરિસ ‘ઐતિહાસિક પ્રમુખ’ બનશે.