દિવ્યાંગોની 21 હજાર ખાલી જગ્યાઓ ભરવા સરકારે હાઈકોર્ટમાં બાંહેધરી આપી
રાજ્ય સરકાર બે વર્ષમાં દિવ્યાંગોની ર૧,૧૧૪ જગ્યાઓ ભરશે -હાઈકોર્ટમાં આપી સરકારે બાંહેધરી
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટમાં નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ દ્વારા વર્ષ ૨૦૨૩માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી ઉપર ચીફ જજ સુનીતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેંચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, દિવ્યાંગ વ્યક્તિઓને લઈને બનાવેલા કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોના ગુજરાત રાજ્યમાં પાલનને લઈને આ અરજી દાખલ કરવામાં આવી છે.
અરજદારે રાઇટ ટુ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ ૨૦૧૬ અને સુપ્રીમ કોર્ટના વર્ષ ૨૦૧૩ના નિર્દેશો પ્રમાણેનું પાલન કરવા કોર્ટ સમક્ષ રાજ્ય સરકારને નિર્દેશ આપવા માગ કરી હતી. જે મુજબ રાજ્ય સરકારે તેના જુદા જુદા ખાતાઓ, લોકલ ઓથોરિટી, રાજ્ય સરકાર ઉપક્રમની કંપનીઓ વગેરે જગ્યાએ દિવ્યાંગ વ્યક્તિઓ માટે યોગ્ય જગ્યા ઉપર ૪ ટકા આરક્ષણની જોગવાઈ છે.
જેની અંદર બ્લાઇન્ડ અને લો વિઝન, સાંભળવામાં મુશ્કેલી હોય, લોકોમેટીવ ડિસેબિલિટી, સેલિબર પાલ્સી જેવી કેટેગરીમાં અનામત રાખવાની જોગવાઈ છે. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને દિવ્યાંગો માટેની જગ્યાઓની ઓળખ કરી જાહેર સાહસો, સરકારી ખાતાઓ, લોકલ ઓથોરિટી, વગેરેમાં કેટલી જગ્યાઓની પોસ્ટ છે તે સંદર્ભનું સોગંદનામું રાજ્યના ચીફ ઓફિસર દ્વારા ફાઈલ કરવા આદેશ કર્યો હતો.
ચીફ સેક્રેટરીની એફિડેવિટમાં બેકલોગ સાથે રાજ્યના જુદા-જુદા ૨૭ વિભાગોમાં દિવ્યાંગો માટે આરક્ષિત ૨૧,૧૧૪ જગ્યાઓ ખાલી છે. જેમાં ૯૨૫૧ જગ્યાઓ લો વિઝન અને પ્રજ્ઞાચક્ષુઓ માટે, ૪૯૮૫ જગ્યાઓ સાંભળવામાં તકલીફ હોય તેવા લોકો માટે, ૧૦૮૫ જગ્યાઓ લોકોમોટિવ ડિસેબિલિટી માટે, જ્યારે ૫,૦૦૦ જગ્યાઓ અન્ય દિવ્યાંગતાથી પીડાતા વ્યક્તિઓ માટે છે.
એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, આ જગ્યાઓને ભરતા બે વર્ષ જેટલો સમયગાળો લાગી શકે છે. કારણ કે, સૌપ્રથમ સરકારને લાગ્યું હતું કે ૧૦ હજાર જેટલી જ જગ્યાઓ હશે, જેને એક વર્ષમાં ભરી દેવાશે. પરંતુ તેમના અનુમાન કરતા બમણી જગ્યાઓ છે. રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ આ જગ્યાઓ ભરવા અનુમાનિત કેલેન્ડર પણ રજૂ કર્યું હતું.
અરજદારે ૨૧ હજાર જેટલી ભરતીઓમાં ૨ વર્ષના સમયની માગ સામે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વર્ષ ૨૦૧૫માં ૧૬ હજાર ભરતી માટે ૬ મહિનાનો સમય આપ્યો હતો. જો કે, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, હજુ સુધી પણ તેમાં કાર્યવાહી આગળ વધી શકી નથી.
જ્યારે રાજ્ય સરકાર એક જ વર્ષમાં ઉપરોક્ત ભરતી પૂર્ણ કરવા પ્રયત્ન કરશે, પરંતુ જો કોઈ કારણોસર વધારે સમયની જરૂર પડે તો તેના માટે બે વર્ષની માગ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સર્ક્યુલર મુજબ ભરતી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા અને જો તેમાં વધું સમય લાગે તેમ હોય તો કોર્ટ સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું.