જોન અબ્રાહમ અને રણદીપ હુડાને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભવિષ્યની ચિંતા

‘ધ ડિપ્લોમેટ’ને બોક્સઓફિસ પર રૂ.૩૦ કરોડનું કલેક્શન મળ્યુ
ઘેટાશાહી જેવી જડ માનસિકતાના કારણે અન્ય મેકર્સને કંઈ અલગ કરવાની સ્વતંત્રતા મળતી નથીઃ જોન અબ્રાહમ
મુંબઈ,બે અઠવાડિયા પહેલા પ્રમોશનની ધામધૂમ વગર જોન અબ્રાહમની ફિલ્મ ધ ડિપ્લોમેટ રિલીઝ થઈ હતી. ફિલ્મને ઠીકઠાક રિસ્પોન્સ મળ્યો હતો, પરંતુ જોનની ચિંતા પોતાની એક ફિલ્મ પૂરતી મર્યાદિત નથી. વર્તમાન સમયમાં બની રહેલી હિન્દી ફિલ્મો અને સ્ટીરિટો ટાઈપ સ્ટોરી-કેરેક્ટરના કારણે બે દમદાર એક્ટર જોન અબ્રાહમ અને રણદીપ હુડાને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. હિન્દી ફિલ્મોમાં છવાયેલી ઘેટાશાહી જેવી માનસિકતાના કારણે સારી ફિલ્મો ન બનતી હોવાનું તેઓ માને છે.
જોન અબ્રાહમે વર્તમાન સમયમાં બોલિવૂડ કન્ટેન્ટ અને સોશિયલ મીડિયાની ટીકાઓની અસર અંગે વાત કરતાં કહ્યું હતું કે, આ સમગ્ર સ્થિતિ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ડરામણી છે. કંઈક અલગ કરવાનો ઝંડો મેં નથી ઊપાડ્યો, પરંતુ અમારા જેવા કેટલાક લોકો અલગ કરવા માગે છે. પોતે કમર્શિયલ હીરો હોવાનું સ્વીકારતા જોને કહ્યું હતું કે, કમર્શિયલ રહેવા ઉપરાંત અમારે કંઈક અલગ કરવું છે, તો અમને તેવું કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ. અલગ કરવા માટે વધારે મહેનતાણુ મળતું થાય તો ઈન્ડસ્ટ્રી તરીકે સૌનો વિકાસ થાય. જોન અબ્રાહમની ‘ધ ડિપ્લોમેટ’ને બોક્સઓફિસ પર રૂ.૩૦ કરોડનું કલેક્શન મળ્યુ હતું.
ભારત-પાકિસ્તાનના સંબંધો આધારિત આ ફિલ્મમાં જોને ભારતના રાજદૂતનો રોલ કરેલો છે, જે પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય મહિલાને બચાવવા પ્રયાસ કરે છે. જોન અબ્રાહમની જેમ રણદીપ હુડા પણ બોલિવૂડની ટ્રેન્ડ ફોલોઈંગ માનસિકતાને પસંદ કરતો નથી. રણદીપને સ્ટોરીટેલિંગ બાબતે સાઉથના ફિલ્મમેકર્સ વધારે ઓથેન્ટિક લાગે છે, કારણ કે તેઓ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે. હુડાએ કહ્યું હતું કે, બોલિવૂડ માટે નિરાશાજનક સમય છે. વર્ષમાં માંડ બે ફિલ્મો સફળ રહે છે. બોલિવૂડમાં અત્યારે ઘેટાશાહી ચાલી રહી છે. સોશિયલ મીડિયા ટ્રેન્ડ સેટ કરે છે.
રી-રિલીઝમાં એક-બે ફિલ્મોએ સારું પ્રદર્શન કર્યું, તો દરેક રી-રિલિઝ સફળ થાય તે જરૂરી નથી. કોઈ એક અખતરો સફળ રહે તો બધા તેને ફોલો કરે છે. બધાને એવું જ બનાવવું છે. ‘સ્ત્રી’ પછી બધાને હોરર કોમેડી બનાવવાનો ચસકો ઉપડ્યો છે. એક વસ્તુ સફળ થાય એટલે બધા લોકો તે માપદંડ અપનાવે છે. બધા એક બંધિયાર વાતાવરણમાં જકડાઈ ગયા છે અને ત્યાં નવા અખતરા માટે મોકળાશ રહેતી નથી. હુડાએ ફિલ્મી જગતની બંધિયાર માનસિકતા વચ્ચે ઓટીટી પ્લેટફોર્મ્સ પર સ્ટોરી ટેલિંગ બાબતે સ્વતંત્રતા મળતી હોવાનું સ્વીકાર્યું છે. હુડાએ કહ્યું હતું કે, ઓટીટી પર ઓડિયન્સને પસંદ આવે અને સબસ્ક્રિપ્શન વધારે તેવા કન્ટેન્ટને પસંદ કરવામાં આવે છે.
મેઈનસ્ટ્રીમ અને એક્સપ્રિમેન્ટલ પ્રોજેક્ટ્સ વચ્ચે સંતુલન સાધવાનું જરૂરી છે. સાઉથની ઈન્ડસ્ટ્રીના વખાણ કરતાં હુડાએ કહ્યું હતું કે, તેઓ મૂળભૂત માનવીય લાગણી સાથે જોડાયેલી ફિલ્મો બનાવે છે. પુષ્પાના સિક્સ પેક એબ્સ નથી. તેની દાઢી વધેલી છે અને ખભો નમેલો છે. આમ છતાં ઓડિયન્સને તે પોતાનો લાગે છે. કેટલાક કહેવાતા મોટા એક્ટર્સ પોતાના કેરેક્ટરને ડેવલપ કરવાના બદલે એબ્સ બનાવવા મહેનત કરે છે. રણદીપે આગામી ફિલ્મ ‘જાટ’માં ક્‰ર વિલન રણતુંગાનો રોલ કર્યાે છે. આ ફિલ્મમાં સની દેઓલ, રેજિના કસાન્દ્રા, આયેશા ખાન, સૈયામી ખેર, ઝરીના વહાબ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મ ૧૦ એપ્રિલે રિલીઝ થવાની છે. ss1