Western Times News

Gujarati News

પત્રકારો સ્ટ્રેસમુક્ત રહે -શરીરની તંદુરસ્તી જાળવવા માટે યોગ્ય તકેદારી રાખે તે જરૂરી: આરોગ્ય મંત્રી

સારી ફૂડ હેબિટ અને સારી લિવિંગ હેબિટના સમન્વય  થકી શરીરને તંદુરસ્ત રાખીએ: શંકર ચૌધરી

ગુજરાત વિધાનસભા ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ G.M.E.R.S. ગાંધીનગર અને ગાંધીનગર પ્રેસ એક્રેડિટેડ ક્લબના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય અને મીડિયાના મિત્રો માટે યોજાયેલ આરોગ્ય કેમ્પનો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા, વિપક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો.

આરોગ્ય કેમ્પનો શુભારંભ કરાવતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, તમામ જન પ્રતિનિધિઓ અને મીડિયા મિત્રો સહિત નાગરિકો સારી ફૂડ હેબિટ અને સારી લિવિંગ હેબિટનો સમન્વય સાધીને જીવન નિર્વાહ કરે તો ચોક્કસ પણે તંદુરસ્તી સારી રહે જ. તેમણે સૌ મીડિયાના મિત્રોને દોડાદોડની જિંદગીની સાથે સાથે પોતાના શરીરની કાળજી લઈને નિયમિતતા કેળવવા અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે, બીમાર પડીને સારવાર લેવી એના કરતાં બીમાર પડતા પહેલા જ તકેદારી રાખી સારી ટેવો પાડીશું તો બીમારી આવશે જ નહીં. તેમણે તમામ આરોગ્ય કર્મીઓ અને મીડિયાના મિત્રોને કેમ્પના આયોજન માટે અભિનંદન આપ્યા હતા.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પત્રકારો અને જન પ્રતિનિધિઓ લોકશાહીની ભૂમિકા લોકો સમક્ષ મુકવાની જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારે આજની ભાગ-દોડ વાળી લાઇફમાં સ્ટ્રેસ મુક્ત રહેવા માટે શરીરની તંદુરસ્તી જાળવવા માટે યોગ્ય તકેદારી રાખવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે, મીડિયાના મિત્રો અને આરોગ્ય વિભાગના સહયોગથી પ્રતિવર્ષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે બદલ સૌને અભિનંદન આપ્યા હતા અને વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે એ બદલ પણ સૌનો આભાર માન્યો હતો.

આ આરોગ્ય કેમ્પને સફળ બનાવવા માટે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ શ્રીમતી નિયતિબેન લાખાણીના નેતૃત્વ હેઠળ તબીબો અને પેરામેડિકલની સમગ્ર ટીમે સરાહનીય કામગીરી કરી હતી.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સહિત ધારાસભ્યો, મીડિયાના મિત્રો અને વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગર પ્રેસ એક્રેડિટેડ ક્લબના પ્રમુખ શ્રી કિશોર અંજારિયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું, જ્યારે સચિવ શ્રી પાર્થ ઠક્કરે આભારવિધિ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.